નવી દિલ્હીઃ દેશમાં હાલ ઉનાળો આકરો બન્યો છે અને આકાશમાંથી અગન વર્ષા વરસી રહી છે, દરમિયાન ઉનાળાની કાળઝાળ ગરમીમાં મોટાભાગના વાહન ચાલકો પોતાના વાહનોમાં ટેંક ફુલ કરાવતા ડરી રહ્યાં છે. મોટાભાગા વાહન ચાલકો માને છે કે, ઉનાળાની કાળઝાળ ગરમીમાં વાહનની પેટ્રોલ ટેંક ફુલ કરવાથી બ્લાસ્ટ થવાની શકયતા છે. જો કે, ઓઈલ કંપનીઓનું માનવું છે, ગરમીમાં પેટ્રોલ ટેંક ફુલ કરાવાથી કોઈ સમસ્યા સર્જાતી નથી.
ઉનાળાની ગરમીમાં વધારે તાપમાનને કારણે બાઈક તથા સ્કુટરમાં આગ લાગી શકે તેવુ મોટાભાગના વાહન ચાલકો માને છે, જેથી વાહન માલિકો ઉનાળાની ગરમીમાં પેટ્રોલ ટેંક ફુલ કરવાથી બચે છે. દરમિયાન ઈન્ડિયાન ઓઈલએ વાહન ચાલકોની સમસ્યાને દુર કરતા જણાવ્યું હતું કે, ગરમી વચ્ચે વાહનમાં ઓઈલ ટેંક ફુલ કરવાથી કોઈ સમસ્યા સર્જાતી નથી. વાહન ઉત્પાદન કરતી કંપની વાહન બજારમાં લાવતા પહેલા તેના તમામ પાટર્સની તપાસ કરવામાં આવતી હોય છે. પેટ્રોલ ટેંક માટે કંપની વિવિધ પ્રેશર ટેસ્ટ કરે છે. જેથી પેટ્રોલ ટેંક સુરક્ષિત રહે છે. ઓટો એક્સપર્ટ ટુટુ ધવનના જણાવ્યા અનુસાર ગરમીઓમાં પેટ્રોલ ટેંક ફુલ કરાવાથી કોઈ ખતરો ઉભો થતો નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં હાલ ઉનાળો વધારે આકરો બન્યો છે અને અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરો-નગરાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થયો છે. કાળઝાળ ગરમીને પગલે બપોરના સમયે લોકો ઘર કે ઓફિસમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે. દેશમાં ઉનાળો વધારે આકરો બનવાની શકયતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.