રાજકોટઃ કારતક મહિનો પુર્ણ થવાની તૈયારી છે. અને માગશર મહિનાના આગમનને ચાર દિવસ બાકી છે ત્યારે કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હજુ સુધી જોઈએ તેવી ઠંડી પડી રહી નથી, લોકો ઠંડી ઓછી અને ગરમી વધુ અનુભવી રહ્યા છે. રાજકોટ, સૌરાષ્ટ્રમાં આજે સાંજથી હવામાન પલટાવવાની શક્યતા છે. જેના કારણે બે દિવસ સુધી માવઠાની આગાહી કરવામાં આવતાં ખેડૂતો ચિંતિત બની ગયા છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં 60 હજાર ગુણી મગફળી પલળવાની ભીતિ છે. જો કે યાર્ડના કર્મચારીઓ દ્વારા આ મગફળીને ઢાંકવાની કામગીરી ચાલી રહી છે. વરસાદ પડશે તો જીરૂ, ચણા, ધાણા, ડુંગળી સહિતના શિયાળુ પાકને મોટા નુકસાનનો ભય પણ ખેડૂતોમાં સતાવી રહ્યો છે.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઉત્તરિય પહાડી રાજ્યોમાં બરફવર્ષા થશે તેમજ મધ્ય ભારતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. પશ્ચિમ ભારતમાં થઈ રહેલી ગરબડને કારણે હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. વરસાદનો રાઉન્ડ બે ડિસેમ્બર સુધી યથાવત રહી શકે છે. ગુજરાતમાં 1 અને 2 ડિસેમ્બરે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા છે. ત્યારે સરકારે તમામ યાર્ડના સંચાલકોને ચેતવણી આપીને ખૂલ્લામાં રહેલી ખેત પેદાશોને સલામત જગ્યાએ ખસેડવા અથવા વરસાદથી બચાવવાની સૂચના આપી છે.
રાજકોટ યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે,, અતિવૃષ્ટિને લઇને ખેડૂતોને પહેલેથી જ નુકસાન થયું છે. ત્યારે હાથમાં આવેલો પાક લઇ ખેડૂતો માર્કેટ યાર્ડ પહોંચ્યા છે. પરંતુ જો માવઠું થશે તો ખેડૂતોને મોટુ નુકસાન ભોગવવાનો વારો આવશે. હાલ રાજકોટ માર્કેટિંગ યાર્ડના ખુલ્લા પટમાં 60 હજાર ગુણી મગફળી ઠલવવામાં આવી છે, જો વરસાદ પડશે તો તમામ મગફળી પલળવાની ભીતિ છે. પરંતુ વેપારીઓ અને કમિશન એજન્ટો દ્વારા જે ખેડૂતોનો પાક ખુલ્લામાં પડ્યો છે તેને ઢાંકી દેવામાં આવશે. ખેડૂતોને એક પણ રૂપિયાની ચિંતા કરાવવા દેવામાં આવશે નહીં.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, યાર્ડના સત્તાધીશો અને કર્મચારીઓ દ્વારા ખેડૂતોને એક પણ રૂપિયાની નુકસાની ભોગવવાનો વારો ન આવે તેવી ગોઠવણ કરવામાં આવી છે. આજે હરાજી ચાલુ છે, જે પણ ખેડૂતની મગફળી ખરીદવામાં આવે તેને રોકડા રૂપિયા આપી દેવામાં આવશે. બાકી વધતા ખેડૂતોનો પાક પડ્યો હશે તેને સારી રીતે સંભાળીને ઢાંકી દેવામાં આવશે. વરસાદની આગાહી હળવી પડશે ત્યારબાદ તેની હરાજી કરવામાં આવશે.