નવી દિલ્હીઃ દેશમાં કટ્ટરવાદી તત્વો ફરીથી એક્ટીવ થયા હોય તેમ સુરતમાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન ભારે પથ્થરમારો કરવાની ઘટના બની હતી. એટલું જ નહીં કાનપુરમાં ટ્રેનને એલપીજી સિલિન્ડરથી ઉડાવી દેવાની ઘટના હજુ ભુલાઈ નથી ત્યાં રાજસ્થાનના અજમેરમાં રેલવે ટ્રેક ઉપર સિમેન્ડના મોટા પથ્થર મુકીને ટ્રેનને ઉથલાવવાના પ્રયાસની ઘટના સામે આવી છે. ગણતરીના દિવસોમાં જ એક પછી એક દેશ વિરોધી ઘટનાઓ સામે આવતા સુરક્ષા એજન્સીઓ પણ સાબદી બની છે. તાજેતરમાં જ પાકિસ્તાન સ્થિત આતંકવાદી ફરહતુલ્લાહ ગોરીનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં આતંકવાદીઓને કહેવામાં આવ્યું હતું કે, મોટા પ્રમાણમાં ટ્રેનોને ઉથલાવવાનો પ્રયાસ કરે અને સપ્લાય ચેઈનને નિશાન બનાવે, જેથી ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ટરને ભારે નુકશાન થઈ શકે.
સુત્રોના જણાવ્યા અનુસાર ગત જૂનથી અત્યાર સુધીમાં ટ્રેનને નુકશાન કરવાના પ્રયાસના 17 જેટલા બનાવો સામે આવ્યાં છે. જેમાં રેલવે ટ્રેક ઉપર લાકડા મુકવા, પથ્થર અને ગેસ સિલિન્ડર મુકવા, આ ઉપરાંત સિગ્નલ સાથે છેડછાડનો પ્રયાસ કરવોય. આવી ઘટના બનતા આરપીએફ પણ વધારે સાબદુ બન્યું છે. તેમજ રેલવે ટ્રેક ઉપર સઘન તપાસ કરવામાં આવી છે. આ ઉપરાંત વંદે ભારત એક્સપ્રેસ સહિત બે ટ્રેન ઉપર ગત સપ્તાહમાં પથ્થરમારાની ઘટના પણ નોંધાઈ હતી. ટ્રેનને નુકશાન પહોંચવાની સાથે દેશમાં અશાંતિ ફેલાવવાના પ્રયાસ પણ થતા હોય તેમ લાગી રહ્યાં છે. સુરતમાં ગણેશ મહોત્સવ દરમિયાન કટ્ટરવાદી તત્વોએ ભારે પથ્થરમારો કરી અશાંતિનો માહોલ ઉભો કર્યો હતો. આ ઉપરાંત ગુજરાતમાં અગાઉ પણ ધાર્મિક કાર્યક્રમો ઉપર પથ્થરમારાની ઘટના સામે આવી છે. આમ આવી ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થતા સુરક્ષા એજન્સીઓ સાબદી બની છે અને આવા તત્વોને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે.
(PHOTO-FILE)