તાજેતરના વર્ષોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના વિકાસે માત્ર ટેક્નોલોજીમાં ક્રાંતિ જ નથી કરી પરંતુ સાયબર સુરક્ષા અને ચૂંટણી અખંડિતતામાં પણ નવા પડકારો ઉભા કર્યા છે. ઓપનએઆઈએ તાજેતરમાં મોટો દાવો કર્યો છે જે ચોંકાવનારો છે. ઓપનએઆઈએ કહ્યું છે કે, સાઈબર અપરાધીઓએ એઆઈ ટૂલ્સ, ખાસ કરીને ચેટજીપીટીનો ઉપયોગ કરીને યુએસ ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો છે. OpenAIના આ દાવાએ AIના દુરુપયોગને લઈને મોટો અને ગંભીર મુદ્દો ઉઠાવ્યો છે.
અહેવાલો અનુસાર, ChatGPT નો ઉપયોગ સાયબર ગુનેગારો દ્વારા ખોટી અને ભ્રામક સામગ્રી બનાવવા માટે કરવામાં આવે છે. તેની મદદથી ફેક ન્યૂઝ, ફેક સોશિયલ મીડિયા પોસ્ટ્સ અને ખોટી પ્રચાર સામગ્રી પણ બનાવવામાં આવી રહી છે. આ બધા દ્વારા મતદારોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.
જાહેર કરાયેલા એક અહેવાલમાં, કંપનીએ શોધી કાઢ્યું હતું કે તેના AI મોડલનો ઉપયોગ નકલી સામગ્રી બનાવવા માટે કરવામાં આવ્યો હતો, જેમ કે લાંબા લેખો અને સોશિયલ મીડિયા ટિપ્પણીઓ, જેનો હેતુ ચૂંટણીને પ્રભાવિત કરવાનો હતો. આ AI જનરેટેડ સંદેશાઓ વાસ્તવિક સમાચાર સ્ત્રોતોની શૈલીની નકલ કરી શકે છે, જે સામાન્ય નાગરિકો માટે સત્ય અને અસત્ય વચ્ચેનો તફાવત મુશ્કેલ બનાવે છે.
સૌથી ચિંતાજનક પાસું એ છે કે સાયબર ગુનેગારો મતદારોની વર્તણૂક અને પસંદગીઓનું વિશ્લેષણ કરવા માટે ડેટા માઇનિંગ તકનીકોનો ઉપયોગ કરી શકે છે અને તેમને અપીલ કરતા સંદેશાઓ ક્રાફ્ટ કરી શકે છે. OpenAI એ આ વર્ષે ChatGPTનો ઉપયોગ કરવાના 20 થી વધુ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે. ઓગસ્ટમાં, કંપનીએ ચૂંટણી સંબંધિત લેખો બનાવનારા એકાઉન્ટ્સને બ્લોક કરી દીધા હતા.
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) એ પણ ચિંતા વ્યક્ત કરી છે કે રશિયા, ઈરાન અને ચીન એઆઈ-સંચાલિત સામગ્રી અને ખોટી માહિતી દ્વારા આગામી નવેમ્બરની ચૂંટણીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દેશો પર AIનો ઉપયોગ નકલી અથવા વિભાજનકારી માહિતી ફેલાવવા માટે કરવાનો આરોપ છે, જે ચૂંટણી માટે ગંભીર ખતરો છે.