આહવાઃ ભાજપમાં પણ હવે આંતરિક મતભેદો વધતા જાય છે. શિસ્તબદ્ધ ગણાતા પક્ષમાં પણ હવે યાદવાસ્થળી ઊભી થઈ રહી છે. દક્ષિણ ગુજરાત એ ગુજરાત ભાજપનો ગઢ ગણાય છે. ત્યારે આ ગઢમાં ગાબડું પડ્યું છે. ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ પવારે તેમના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. દશરથ પવારના રાજીનામાથી ડાંગનું રાજકારણ ગરમાયું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ પવારે તેમના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. તેમણે પોતાના લેટરહેડ પર પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને સંબોધીને એક પત્ર લખ્યો છે. જેમાં લખ્યું કે, ‘હું ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ પદેથી સ્વૈચ્છિક રાજીનામું આપું છું જે સ્વીકારવા વિનંતી છે.’ આ લેટરપેડની નીચે દશરથ પવારે સહી કરી છે. છેલ્લા ઘણા દિવસોથી ડાંગ ભાજપ સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચે વિખવાદ ચાલતો હતો. ડાંગ ભાજપ સંગઠનમાં આંતરિક ખેંચતાણ બાદ જિલ્લા પ્રમુખનું સૌથી પહેલું રાજીનામુ પડ્યું છે. ચર્ચા એવી છે કે, ડાંગ ભાજપ સંગઠનમાં આંતરિક ખેંચતાણ લઈને કાર્યકરો, નેતાઓના આગામી દિવસોમાં રાજીનામાં આપી શકે છે. ભાજપ પ્રમુખે થોડા દિવસો પહેલા ડાંગ જિલ્લામાં થતા ભ્રષ્ટાચારને લઈ અવાજ પણ ઉઠાવ્યો હતો. ભાજપ પ્રમુખના રાજીનામાને લઈ જિલ્લાના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે.
સૌરાષ્ટ્રના બોટાદ જિલ્લા ભાજપના પ્રમુખ મયુર પટેલે જણાવ્યું હતું કે, બોટાદ જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારોની યાદી જાહેર થઈ છે. બોટાદ જિલ્લા સંગઠનમાં તમામ નવા શહેરાનો સમાવેશ કરાયો છે. જિલ્લા સંગઠનમાં કુલ 19 હોદેદારોનો સમાવેશ કરાયો છે. જેમાં 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી, 6 મંત્રી, 1 કોષાધ્યક્ષ અને 1 કાર્યલાય મંત્રીના નામોની જાહેરાત કરાઈ છે. જિલ્લા સંગઠનમાં તમામ જ્ઞાતિના કાર્યકરોનો સમાવેશ કરાયો છે.