અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને કારણે હાલ શાળા-કોલેજોમાં શૈક્ષણિક કાર્યબંધ છે અને વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. અગાઉ સરકારે સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓને ફીમાં રાહત કરી આપી હતી. હવે સુરતમાં આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં ફી ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે. યુનિવર્સિટી દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ 35થી 40 ટકા જેટલી ફીમાં ઘટાડો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલા વિવિધ અભ્યાસક્રમના વિદ્યાર્થીઓએ ફી માફીની માંગણી કરી હતી. દરમિયાન યુનિવર્સિટીની મળેલી સિન્ડીકેટની બેઠકમાં વિદ્યાર્થી સંગઠનોની માંગણીનો સ્વીકાર કરી ફી માળખાના વર્ગિકરણ મુજબ અલગ-અલગ ફી ઘટાડો કરવાનું નક્કી કર્યું હતું. ફાઈનાન્સ કોલેજોની ફીમાં 20 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવે છે.
હાયર પેમેન્ટ બે ટકા હોય એવા અભ્યાસક્રમોમાં પાર્ટ 1માં 25% અને પાર્ટ 2માં 25 ટકા સુધી ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે યુનિવર્સિટીની વિદ્યાર્થી દીઠ ફીમાં 50 ટકાનો ઘટાડો, કોલેજોની ફીમાં સ્ટુડન્ટ વેલ્ફર ફી 300 રૂપિયાથી ઘટાડીને 150 રૂપિયા, સ્ટુડન્ટ યુનિયન ફી 100 રૂપિયાથી ઘટાડી શૂન્ય કરી કેમ્પસ ડેવલપમેન્ટ ફી 100 રૂપિયાથી ઘટાડી 50 રૂપિયા અને ઇન્ટર્નલ એકઝામથી 150 રૂપિયાથી ઘટાડીને 15 રૂપિયા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સેલ્ફ ફાયનાન્સ કોલેજોની ટયુશન ફીમાં 20 ટકા રાહત આપવાનું નક્કી કરાયું છે. જયારે સેલ્ફ ફાયનાન્સ કોલેજોના હાયર પેમેન્ટની બેઠકો ઉપર આપવામાં આવેલા પ્રવેશોમાં 5 ટકા રાહત આપવાની નિતી નકકી કરવામાં આવી હોવાથી વિદ્યાર્થીઓની સરેરાશ 30થી 35 ટકા સુધીની ફી રાહત મળી રહેશે.