Site icon Revoi.in

અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનમાં મહિલા PSI અને કોન્સ્ટેબલ લાંચ લેતા રંગેહાથ ઝડપાયાં

Social Share

અમદાવાદઃ શહેર પોલીસમાં લાંચ લેવાના બનાવો વધતા જાય છે. તાજેતરમાં સાયબર ક્રાઈમનો કર્મચારી ત્રણ લાખની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો હતો. આ પ્રકરણમાં એક પીઆઇ શંકાસ્પદ છે અને એની સંડોવણી અંગે તપાસ ચાલી રહી છે. હજી તપાસ પૂરી નથી થઈ ત્યાં જ શહેરના બાપુનગર પોલીસ સ્ટેશનના એક મહિલા પીએસઆઈ માત્ર 1000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા છે.

એસીબીના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના  બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ડાયમંડ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ એક હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે. મારામારીના એક ગુનામાં બાઈક છોડવવા અભિપ્રાય આપવા ઉરિયાદી પાસે રૂપિયા 2000ની લાંચ માગી હતી. જે પૈકી લાંચપેટે 1000 રૂપિયા પહેલા લઈ લીધા હતા. જ્યારે બાકીના 1000 રૂપિયાની લાંચ લેતા ACBએ ઝડપી લીધા હતા.

આ લાંચ કેસની વિગતો એવી હતી કે,  શહેરના બાપુનગર પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં ફરિયાદીની બાઈક કબ્જે કરવામાં આવી હતી. આ બાઈક છોડાવવા કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીમાં પોલીસનો અભિપ્રાય મેળવવો જરૂરી હતો. જેથી ફરિયાદ ડાયમંડ ચોકીના મહિલા પીએસઆઈ  જે.એસ. રાવલ પાસે ગયા ત્યારે તેમને 2000 રૂપિયાની માગણી કરી હતી. મહિલા પીએસઆઈ  સાથે રાયટર તરીકે કામ કરતા રીંકુ પટણીએ 1000 રૂપિયા લઈ લીધા હતા. બાકીના 1000 ન આપવા ફરિયાદીએ ACBમાં જાણ કરતા ACB દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી. ટ્રેપ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ રિંકુ અને મહિલા પીએસઆઈ  જે.એસ. રાવલ લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. ACBએ બંને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.