ભાવનગરઃ જિલ્લા માટે અતિ મહત્વપૂર્ણ ગણાતી ઘોઘા હજીરા રો રો ફેરી સર્વિસનો આજથી પુનઃ પ્રારંભ કરવામાં આવ્યો છે. ફેરી સર્વિસ પુનઃ ચાલુ થતાં દિવાળીના તહેવારો અને વેકેશનના સમયગાળા દરમિયાન લોકો મુસાફરીનો આનંદ માણી શકશે તેમજ વાહન પરિવહન માટે પણ અનુકૂળ સાબિત થશે. ઘોઘા-હજીરા ફેરી સર્વિસ અઢી મહિનાથી એટલે કે 24મી જુલાઈથી બંધ હતી. તે પુઃન ચાલુ કરાતા સુરત અને ભાવનગરના મુસાફરોને રાહત થઈ છે.આજે સવારે 8 કલાકે હજીરાથી પ્રથમ ટ્રીપ ઉપડી હતી. જ્યારે ઘોઘાથી બપોરે 3 કલાકે પ્રથમ ફેરો શરુ થયો હતો.
ભાવનગરના ઘોઘથી સુરતના હજીરા જળમાર્ગ પર ચાલનારી ઘોઘા હજીરા રોપેકશ ફેરી સર્વિસને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો હતો. ટ્વીન સિટી તરીકે જાણીતા ભાવનગર સુરતનું અંતર ફેરી સર્વિસ ના કારણે ઘટી જતા ભારે માલવાહક ટ્રકો, કાર, બાઈક અને સેંકડો લોકો મુસાફરીનો લાભ મેળવી રહ્યા હતા. પરંતુ ગત 24 જુલાઇ ના રોજ રોપેક્ષ્ ફેરી સર્વિસ પર ચાલતા વોયેજ સિમ્ફની જહાજને તેના વાર્ષિક મેઇન્ટનન્સ માટે ડ્રાય ડોક પર મોકલી દેવામાં આવતા અઢી માસ કરતા વધુ સમયથી ફેરી સર્વિસ બંધ હતી. ફરી સર્વિસ બંધ થતાં જળમાર્ગ મુસાફરીના શોખીન લોકો થોડા નિરાશ થયા હતા. પરંતુ લોકો માટે આનંદની વાત છે કે રીપેક્ષ ફેરી સર્વિસ પુનઃ ચાલુ કરી દેવામાં આવી છે.
ઘોઘા હજીરા જળમાર્ગ પર ચાલનારા વૉયેજ સિમ્ફની જહાંજને 24 જુલાઈના રોજ વાર્ષિક મેઇન્ટનન્સ માટે ડ્રાય ડોક પર મોકલી દેવામાં આવ્યું હતું. જ્યાં અઢી માસ કરતા વધુ સમયગાળા દરમિયાન જહાજની તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. તેમજ ટ્રાયલ કરી સરકારી કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આજથી ફેરી સર્વિસનો પ્રારંભ કરવામાં આવતા સુરતના હજીરાથી રોપૅક્ષ ફેરીની પ્રથમ ટ્રીપ સવારે 8 કલાકે રવાના કરાઇ હતી. જે ઘોઘા ખાતે 12:30 કલાકે પહોંચ્યા બાદ બપોરે 3 કલાકે ફરી ઘોઘા થી હજીરા જવા માટે રવાના થઈ હતી.
જળમાર્ગની મુસાફરીનો આનંદ અનેરો હોય છે ત્યારે હાલ દિવાળીના તહેવારો અને વેકેશન સમય દરમિયાન ઘોઘા હજીરા ફેરી સર્વિસ શરૂ થતાં લોકો ફેરીમાં મુસાફરીનો આનંદ ઉઠાવી શકશે. જેનું ઓનલાઇન અને ઓફ્લાઇન બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. જ્યારે નવેમ્બર માસ માટેનું બુકિંગ 23 ઓકટોબરથી શરૂ કરી દેવામાં આવશે હાલ ટીકીટ બુકીંગ માટે ઓનલાઈન અને ઓફલાઈન બન્ને સુવિધા ઉપલબ્ધ છે. જ્યારે નવેમ્બર માસનું બુકીંગ તા. 23મીથી ખુલશે તેમ જાણવા મળેલ છે.