Site icon Revoi.in

ઘોઘા-હજીરા વચ્ચેની ફેરી સર્વિસ જાણ કર્યા વિના બંધ કરતા મુસાફરો અટવાયા

Social Share

ભાવનગરઃ જિલ્લાના ઘોઘાથી સુરતના હજીરા વચ્ચે ચાલી રહેલી રો-પેક્સ ફેરી સર્વિસ ખૂબજ લોકપ્રિય બની રહી છે, અને મુસાફરો તથા માલવાહક વાહનો પણ તેનો બહોળો ઉપયોગ કરી રહ્યા છે. ગુરૂવારથી જહાજની મરામત કરાવવામાં આવી રહી છે. સંચાલકો તેની રૂટિન ચેક-અપ અને મરામત ગણાવે છે. પરંતુ અચાનક અને કોઇ ઘોષણા કરાયા વિના ફેરી રવિવાર સુધી બંધ કરવામાં આવતા મુસાફરો છેક ટર્મિનલ સુધી પહોંચી અને વિલા મોઢે પરત ફર્યા હતા.

ઘોઘા હજીરા ફેરી સર્વિસ લોકો માટે ખૂબ અનુકૂળ સાબિત થઈ રહી છે. મુસાફરો સમયની બચત માટે ફેરી સર્વિસમાં જવાનું વધારે પસંદ કરતા હોય છે. ત્યારે જ્યારે મુસાફરો ઘોઘા ટર્મિનલ પર પહોંચ્યા ત્યારે તેમને જાણ થઈ કે ફેરી સર્વિસ બંધ છે. સર્વિસને અચાનક બંધ રાખવામાં આવતા મુસાફરો અટવાયા હતા. વોયેજ સિમ્ફની જહાજના રીપેરીંગની કામગીરી કરવાની હોવાથી ગુરુવારથી રવિવાર સુધી 4 દિવસ માટે ઘોઘા હજીરા ફેરી સર્વિસ બંધ રાખવામાં આવી હોવાનું ફેરીના સંચાલકો જણાવી રહ્યા છે. કોઇપણ જાતની આગોતરી જાણ કે ઘોષણા કરાયા વિના ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સેવા રવિવાર સુધી બંધ કરવામાં આવતા મુસાફરોને ભારે અગવડતાઓનો સામનો કરવો પડ્યો હતો. ફેરી સર્વિસના સંચાલકોના જણાવ્યા પ્રમાણે શિપ વોયેજ સીમ્ફની રૂટિન મરામત કાર્યમાં હોવાથી રવિવાર સુધી ફેરી સેવાને વિરામ આપવામાં આવ્યો છે.