ખારાઘોડાના રણ વિસ્તારમાં મીઠાંના વેસ્ટ પાણીમાંથી ખાતર બનાવાશે, 50 ટન પોટાશનો ઓર્ડર મળ્યો
સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં પાટડીથી ખારાઘોડાનો અફાટ રણ વિસ્તાર કચ્છના નાના રણ તરીકે ઓળખાય છે. રણ વિસ્તારમાં અગરિયાઓ કાળી મજુરી કરીને મીઠું પકવી રહ્યા છે. જેમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં અગરિયાઓની હાલત દયનીય બનતી હોય છે. આ વિસ્તારોમાં મોટા અગરો આવેલા છે. હવે ખારાઘોડા રણમાં મીઠાના વેસ્ટ પાણીમાંથી ખાતર બનાવવાની પરિકલ્પના સાકાર થશે. આગામી દિવસોમાં ભારત સરકારના નેશનલ ફર્ટીલાઇઝર લિ. દ્વારા ખારાઘોડામાં કરોડો રૂ.ના ખર્ચે એમઓપી ખાતર યુનિટ શરૂ કરાશે. જે અંતર્ગત ભાવનગર સેન્ટ્રલ સોલ્ટને પ્રારંભિક ધોરણે ખારાઘોડા રણમાં 50 ટન પોટાશ ઉત્પન્ન કરવાનો ઓર્ડર પણ આપી દેવાયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ખારાઘોડાના રણ વિસ્તારમાં મીઠાંની વેસ્ટ પાણીમાંથી જો રાસાયણિક ખાતરનો પ્રોજેક્ટ સાકાર થશે તો આ વિસ્તારમાં અનેક લોકોને રોજગારી મળી રહેશે. થોડા સમય અગાઉ દિલ્હી નજીક નોઇડા ખાતે આવેલા ભારત સરકારના નેશનલ ફર્ટીલાઇઝર લિમીટેડના ડાયરેક્ટર કોહલી અને ઇજનેરોની ટીમેં ખારાઘોડા રણની મુલાકાત લઇ પડાવ નાખ્યોં હતો. અને ખારાઘોડા રણમાં જમીનમાંથી નિકળતા ડીગ્રીવાળા પાણીમાંથી બનતા મીઠાના વેસ્ટ પાણીમાંથી પોટાશ ઉત્પન્ન કરી એમાંથી એમઓપી ખાતર બનાવવાની શક્યતા તપાસતા એમાં સફળતા પ્રાપ્ત થઇ હતી.
આ અંગે નેશનલ ફર્ટીલાઇઝર લિ.ના સૂત્રોએ જણાવ્યું કે, ગુજરાતમાં માત્ર ખારોઘોડા રણમાં મીઠાના વેસ્ટેજ પાણીમાંથી એમઓપી ખાતર બનાવવાની શક્યતા ઉજળી છે. જ્યારે ભાવનગર સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ચીફ સાયન્ટીસ્ટ એમ.આર.ગાંધીના જણાવ્યાનુસાર હાલમાં તો પ્રારંભિક ધોરણે 50 ટનનો ઓર્ડર મળ્યો છે. જ્યારે આ અંગે ખારાઘોડા સોલ્ટ એશોશિયેશનના પૂર્વ પ્રમુખ હિંગોર રબારીએ જણાવ્યું કે, ખારાઘોડા રણમાં ભાવનગર સોલ્ટ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા મીઠાના બે પાટામાં મીક્સ સોલ્ટમાંથી પોટાશ જુદુ પાડવાની પ્રારંભિક પ્રક્રિયા હાથ ધરાશે. રણની જમીનમાંથી નિકળેલા પાણીમાંથી મીઠું પાકી ગયા બાદ વધારાનું વેસ્ટ પાણી બીજા ક્યારામાં નાખી તેને પૂરતું સૂકવી નખાશે. ત્યારબાદ હીટ આપવાની સાથે વિવિધ પ્રોસેસમાંથી પસાર થયા બાદ એમાંથી પોટાશ બનાવવામાં આવશે. જે એમઓપી ખાતર બનાવવા માટે ખુબ ઉપયોગી છે.