વડોદરાઃ શહેરમાં વધતા જતાં તાપમાનને લીધે હિટીંગ કે શોક સર્કિંટને કારણે આગના બનાવો પણ બની રહ્યા છે. જ્યારે શહેર નજીક રતનપુરમાં પ્લાસ્ટિકના પતરા બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી હતી. અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. દૂર દૂર સુધી આગના ધૂમાડાં જોવા મળ્યા હતા. આ બનાવની જાણ થતાં વડોદરાના ફાયર ફાયટરો લાયબંબા સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. અને પાણીનો મારો ચલાવ્યો હતો, ત્રણ કલાકની ભારે જહમત બાદ આગને કાબુમાં મેળવવામાં સફળતા મળી હતી.
ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરા શહેરના ડભોઇ રોડ પર અક્ષય સિટી જય એસ્ટેટમાં આવેલી પ્લાસ્ટિકના પતરા બનાવતી ફેકટરીમાં ભીષણ આગનો બનાવ બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ આગના બનાવને લઇ તાત્કાલિક 3 ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યો હતો. આ આગ લાગતાની સાથે જ આસપાસ આવેલા ગોડાઉનમાં પણ અફરાતફરી મચી હતી. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી પરંતુ કંપનીમાં પ્લાસ્ટિક મટિરિયલ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગના બનાવને લઇ લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. અને આગના ધૂમાડા દુર સુધી જોવા મળ્યા હતા.
આ અંગે વડોદરાના પાણીગેટ ફાયર સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, આ આગ લાગતાની સાથે જ પાણીગેટ અને ERC ફાયર સ્ટેશનનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યો હતો. ફાયર વિભાગની ટીમોએ ત્રણ કલાકની ભારે જહમત બાદ આગને કાબુમાં લીધી હતી. આગ લાગવાના કારણની તપાસ કરવામાં આવી રહી છે.