Site icon Revoi.in

અમદાવાદના બાપુનગરમાં આવેલા ફટાકડાંના ગોદામમાં ભીષણ આગ ફાટી નિકળી, 11 લોકોને ઈજા

Social Share

અમદાવાદઃ શહેરમાં આજે  બાપુનગર વિસ્તારમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં  ભીષણ આગ ફાટી નિકળી હતી.  એને પગલે અફરાતફરી મચી ગઈ હતી. આ આગને પગલે 11 જેટલા લોકો ઘાયલ થયા હતા.જે પૈકી 5 ઇજાગ્રસ્તોને બાપુનગર જનરલ હોસ્પિટલ ખાતે 108 મારફતે ખસેડવામાં આવ્યા છે.જયારે અન્ય લોકોને નાની-મોટી ઇજા પહોંચી હતી.જેમની સ્થળ પર જ સારવાર કરવામાં આવી હતી. આગની જાણ થતાં ફાયર ફાયટરોએ આગને કાબુમાં લેવા ભારે જહેમત ઊઠાવી હતી.

શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા વિકાસ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ભીષણ આગ લાગી છે. ફાયરવિભાગને આ ઘટનાની જાણ થતાં જ તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આગની ઘટનાને કારણે આજુબાજુના વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં મોટા પ્રમાણમાં માલસામાનને નુકસાન પહોંચ્યુ હોવાના અહેવાલ છે. ભીષણ આગને પગલે આકાશ આગના ધુમાડાથી ઢંકાઈ ગયું હતું અને દૂર સુધી ધુમાડાના ગોટેગોટા ઊડી રહ્યા હતા. આગ એટલી ગંભીર હતી કે એને બુઝાવવા માટે અમદાવાદની ફાયરબ્રિગેડની તમામ ગાડીઓ ત્યાં પહોંચી ગઈ હતી .હાલ 70% આગ કાબુમાં આવી ગઈ છે. જ્યારે 30% જેટલી આગ બુઝાવવાની ટકા બાકી છે. હાલ સેક્ટર-1 JCP નીરજ બડગુર્જર અને DCP સુશીલ અગ્રવાલ ઘટના સ્થળે પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગની ઘટનાને પગલે સ્થાનિક લોકોને દૂર ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે

સૂત્રોના જણાવ્યા મુજબ  અમદાવાદના બાપુનગર ખાતે અનિલ સ્ટાર્ચ મિલ રોડ ઉપર આવેલા સંજયનગરના છાપરાની સામે આવેલા વિકાસ એસ્ટેટના ફટાકડાબજારમાં આગ લાગી હતી, જેથી અમદાવાદની ફાયરબ્રિગેડની તમામ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. આ દરમિયાન ફટાકડાની ફેક્ટરીમાં ધડાકાભેર ફટાકડા ફૂટતાં આસપાસના રહીશોમાં ગભરાટનો માહોલ ફેલાયો હતો.આગ લાગવાથી ધુમાડાના ગોટેગોટા એક કિલોમીટર દૂર સુધી જોવા મળ્યા હતા. હાલ ફાયરની ટીમ દ્વારા આગ બુઝાવવામાં આવી હતી.

આ અંગે ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ, શહેરના બાપુનગર વિસ્તારમાં અનિલ સ્ટાર્ચ મિલ રોડ ઉપરના વિકાસ એસ્ટેટમાં ફટાકડાની દુકાનો અને ગોડાઉન આવેલાં છે, જેમાં દુકાન નંબર 94થી 114 નંબર સુધીની દુકાનવાળી લાઈનમાં આવેલા જય અંબે ટ્રેડર્સ નામના ફટાકડાની ગોડાઉનમાં આગ લાગી હતી. એને પગલે એકસાથે ફટાકડાની 25 જેટલી દુકાનો આગની ચપેટમાં આવી ગઈ છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં એક બાદ એક દુકાનમાં આગ ફેલાઈ હતી. આગ લાગતાં ફટાકડાની દુકાનો અને ગોડાઉનમાં કામ કરતા કારીગરો અને માલિકોમાં દોડધામ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં કુલ 11 લોકોને ઈજા થઈ છે, જેમાં 3 લોકોને ગંભીર ઇજા થતાં શારદાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે પાંચ લોકોને સામાન્ય ઈજા થઈ છે. જયારે ફાયર બ્રિગેડના ત્રણથી વધુ ફાયર કર્મીઓને પણ નાની મોટી ઈજા થઈ છે. (file photo)