અમદાવાદઃ શહેરના દાણીલીમડા વિસ્તારના કાપડના ગોડાઉનમાં ભયાનક આગ ફાટી નીકળતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આગ લાગ્યાની જાણ થતાં જ ફાયરબ્રિગેડના 15 થી વાહનો સ્થળ પર પહોંચીને આગ બૂઝવવાની કામગીરી કરી હતી. પરંતું જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરીને આસપાસમાં અન્ય ગોડાઉન પ્રસી હતી. સ્થાનિકો ઉપરાંત પોલીસ અને ફાયરબ્રિગેડનો મોટો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. અને બે કલાક બાદ પણ આગ ઉપર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો નહતો. દરમિયાન ફાયર બ્રિગેડના જવાનોએ જેસીબીની મદદથી ગોડાઉનની પાછળની દીવાલ તોડી પાડી હતી.
શહેરના દાણીલીમડા વિસ્તારમાં જુના ઢોર બજાર પાસે પટેલ મેદાનમાં આવેલા કાપડના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા 15 ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડના અધિકારીઓ અને જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરાયા હતા. પતરાના શેડના બનેલા ગોડાઉનમાં આગ પ્રસરી હતી. અને જાતજોતામાં આસપાસના ગોડાઉનમાં આગ પ્રસરી હતી. દરમિયાન સ્થાનિક લોકોના ટોળાં એકઠા થતાં પોલીસે લોકોના ટોળાને દુર કર્યા હતા.
ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યુ હતું કે, શહેરના દાણીલીમડા જૂના ઢોર બજાર પાસે આવેલા પટેલ મેદાનમાં વિવિધ ગોડાઉન આવેલા છે. જેમાં એક કાપડના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી. કાપડનું ગોડાઉન હોવાના કારણે તુરંત જ આગ ફેલાઈ ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા 15 જેટલી ગાડીઓ અને ફાયર બ્રિગેડના અધિકારીઓ તેમજ જવાનો આગ બુજાવવાની કામગીરી શરૂ કરી છે. પતરાના ગોડાઉન આવેલા છે અને પાછળ રહેણાંક વિસ્તાર છે. ફાયર બ્રિગેડ દ્વારા પોલીસ અને ટ્રાફિક પોલીસને જાણ કરવામાં આવી હતી. આગ લાગવાનું કારણ હજુ જાણવા મળ્યુ નથી. બે કલાકની જહેમત બાદ આગ પર મહદઅંશે કાબુ મેળવી લેવાયો છે.