Site icon Revoi.in

નડિયાદમાં કલેક્ટર કચેરીમાં લાગી ભીષણ આગ, મહત્વના દસ્તાવેજો સહિત માલસામાન ખાક

Social Share

નડિયાદઃ ખેડા જિલ્લાની નડિયાદમાં આવેલી કલેક્ટર કચેરી ખાતે રાત્રે ભીષણ આગની ઘટના બની હતી. જેના કારણે લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. અને ઘટનાની જાણ થતા નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. આગમાં કચેરીના મહત્વના દસ્તાવેજો સહિત માલસામાન બળીને ખાક થઇ ગયો હતો. આગનું કારણ હાલ જાણવા મળ્યું નથી. પણ શોક સર્કિટને લીધે આગ લાગી હોવાનું માનવામાં આવે છે.

નડિયાદ ફાયરબ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ  ખેડા જિલ્લાની નડિયાદ કલેક્ટર કચેરીમાં બીજા માળે નડિયાદ પ્રાંત અધિકારીની કચેરીની બાજુના રૂમમાં ગત મોડી રાત્રે અચાનક જ આગ ફાટી નીકળી હતી. વિકરાળ આગની ઘટના બનતા ભારે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ નડિયાદ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. અંતે કેટલાય કલાકોની ભારે જહેમત બાદ ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી.

આગ લાગ્યાના બનાવની  જાણ થતાં ખેડા જિલ્લા નાયબ કલેક્ટર, નડિયાદ પ્રાંત અધિકારી તેમજ નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત કલેક્ટર કચેરીના અધિકારીઓ તાત્કાલિક કચેરી ખાતે દોડી આવ્યા હતા. તેમજ નડિયાદ વીજ વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જોકે, સદનસીબે આ આગની દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. પરંતુ, કલેક્ટર કચેરીમાં રાખેલા કેટલાક મહત્વના દસ્તાવેજો તેમજ માલ-સામાન બળીને ખાક થઇ ગયો હતો. આગનું કારણ હાલ જાણવા મળ્યું નથી. પણ શોક સર્કિટને લીધે આગ લાગી હોવાનું માનવામાં આવે છે.