અમદાવાદઃ દિવાળીના તહેવારોમાં આગ લાગવાની ઘટનામાં નોંધપાત્ર વધારો થયો છે દરમિયાન દક્ષિણ ગુજરાતની ડાયમન્ડ સિટી સુરતમાં પણ મોડી રાતે ભિષણ આગ લાગી હતી. આ દૂર્ઘટનામાં બે યુવતીઓના મોત થયા હોવાનું જાણવા મળે છે. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા આગ ઉપર કાબુ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. આગની આ ઘટનાને પગલે વહીવટી તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
સુરતના સિટીલાઈટ વિસ્તારમાં આગ લાગતા બે યુવતીએ જીવ ગુમાવ્યો છે. બુધવારની રાત્રે સિટીલાઈટ વિસ્તારની એક બિલ્ડિંગમાં આવેલા જીમ અને સ્પામાં આગની જ્વાળા ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જે સમયે આગ લાગી હતી તે સમયે ત્યાં પાંચ લોકો હતા, જેમાંથી ત્રણ લોકોને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા જ્યારે આગમાં ફસાયેલી બે યુવતીના ગંભીર રીતે દાઝી જવાથી મૃત્યુ નીપજ્યા હતા. કયા કારણોસર બિલ્ડિંગમાં આગ લાગી તે અંગે ફાયર વિભાગ અને FSLની ટીમ તપાસ કરી રહી છે. બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના સાધનો હતા કે નહીં તેમજ ફાયર વિભાગની NOC હતી કે નહીં તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.