- પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ સ્થળ પર
- ફાયરબ્રિગેડની ટીમે આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસો શરુ કરાયાં
- આગની દૂર્ઘટનામાં અનેક લોકો ગંભીર રીતે દાઝ્યાં
- મૃત્યુઆંક વધવાની શકયતા
નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનના કરાંચી સ્થિત એક મોલમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં નવ વ્યક્તિઓના મોત થયાનું જાણવા મળે છે. જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયાનું ચર્ચાઈ રહ્યું છે. આ બનાવને પગલે વહીવટી તંત્ર દોડ઼તું થઈ ગયું છે. આગ કેવી રીતે લાગી તેની તપાસ શરુ કરવામાં આવી છે. આગની આ ઘટનામાં મૃત્યુઆંક વધવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કરાંચીમાં રશીદ મિન્હાસ રોડ સ્થિત એક મોલમાં આજે સવારે અચાનક આગ લાગી હતી. જેના પગલે નાસભાગ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ ફાયરબ્રિગેડની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. તેમજ પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો શરુ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પોલીસ અને ફાયરબ્રિગેડ દ્વારા બચાવ કામગીરી શરુ કરવામાં આવી હતી.
આગની આ દૂર્ઘટનામાં નવ વ્યક્તિઓના મૃત્યુ થવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસ દ્વારા તમામ મૃતદેહોને પીએમ અર્થે કરાચીની હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા. આગની આ ઘટનામાં 18 વર્ષની યુવતી ગંભીર રીતે દાઝી ગઈ હતી. જેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાઈ હતી. જ્યાં ટુંકી સારવાર બાદ તેનું મોત થયું હતું.