અમદાવાદઃ ગુજરાતના છેલ્લા કેટલાક દિવસથી આગની ઘટનામાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન બોપલ વિસ્તારમાં આવેલી એક બહુમાળી ઈમારતમાં મોડી રાતે ભીષણ આગ લાગી હતી. આગની આ ઘટનામાં એક મહિલાનું મોત થયાનું જાણવા મળે છે. જ્યારે ફાયરબ્રિગેડ અને 108ની ટીમે બચાવ કામગીરી હાથ ઘરીને અનેક વ્યક્તિનું રેસ્ક્યુ કર્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર બોપલમાં આવેલી એક બહુમાળી ઈમારતમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આગની આ ઘટનામાં કેટલીક વ્યક્તિઓ ફસાઈ હતી.. આ બનાવની જાણ થતા જ ફાયરબ્રિગેડ અને 108ની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ આગ ઉપર કાબુ મેળવવાની સાથે અંદર ફસાયેલા લોકોને બચાવવા માટે કવાયત શરૂ કરી હતી. તમામ લોકોને સહીસલામત રીતે બહાર કાઢીને હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યાં હતા. દરમિયાન મીનાબેન નામના એક 65 વર્ષિય વદ્ધાનું અવસાન થયું હતું.
ફાયર વિભાગની 12 ગાડીઓ આગ લાગતા ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ કામગીરી કરી હતી સાથે સાથે તમામને રેસ્કયું કરીને બચાવ્યા હતા,8માં માળે આગ લાગતા ઘણા લોકો ધાબા ઉપર પણ જતા રહ્યાં હતા તો ઘણા લોકો ઘરની અંદર રહ્યાં હતા પરંતુ ફાયર વિભાગે તમામને બચાવી લીધા છે
આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી ગયો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. જો કે, પોલીસ અને ફાયરબ્રિગેડ દ્વારા આગનું ચોક્કસ કારણ જાણવા તપાસ આરંભી છે. આ ઉપરાંત 3 વ્યક્તિઓની હાલ ગંભીર હોવાથી તેમને વધુ સારવાર અર્થે અન્ય હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.