મુંબઈઃ પૂણે-મુંબઈ એક્સપ્રેસ વે પર ટેન્કરમાં આગ લાગવાથી ચાર લોકોના મોત થયા છે અને ત્રણ ઘાયલ થયા છે. એક અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના લોનાવાલા અને ખંડાલા વચ્ચે બની હતી. ટેન્કરમાં કોઈ રાસાયણિક પદાર્થ ભરવામાં આવ્યો હતો. અકસ્માત બાદ ટેન્કરમાં આગ લાગી હતી અને કેમિકલના વિસ્ફોટના અંગારા રસ્તા પર દોડતા વાહનો પર પડવા લાગ્યા હતા, એમ તેમણે જણાવ્યું હતું. જ્વાળાઓ એટલી પ્રબળ હતી કે તેની ઝપેટમાં આવનારને બચવાની તક મળી ન હતી.
લોનાવાલા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં રસ્તા પર દોડતા ચાર વાહનચાલકો ઘાયલ થયા હતા અને ત્રણના મોત થયા હતા. મૃતકોમાં ટેન્કરમાં સવાર એક મુસાફરનો પણ સમાવેશ થાય છે. જ્યારે ટેન્કરમાં સવાર 2 લોકો ઘાયલ થયા હતા. અધિકારીએ જણાવ્યું કે ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. બ્રિજની નીચેથી મોટરસાઈકલ પર જઈ રહેલી એક મહિલાને પણ ઈજા થઈ હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે અકસ્માતમાં એક ટેન્કર સહિત કુલ 4 વાહનો ખાખ થઈ ગયા હતા. આગને કારણે એક્સપ્રેસ વે પર પુણે તરફની અવરજવર થોડા સમય માટે બંધ થઈ ગઈ હતી. કટોકટીની કામગીરીને સરળ બનાવવા માટે અકસ્માત સ્થળે એક્સપ્રેસ વે પરનો ટ્રાફિક થોડા સમય માટે અટકાવી દેવામાં આવ્યો હતો. લગભગ એક કલાકની મહેનત બાદ આ માર્ગ પર વાહનોની અવરજવર ફરી શરૂ થઈ શકે છે. સમગ્ર બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને દૂર્ઘટનાનું ચોક્કસ કારણ જાણવા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે.