Site icon Revoi.in

અમદાવાદમાં મેમકો હીરાવાડી નજીક પ્લાસ્ટિકની ફેકટરીમાં ભીષણ આગ, બે શ્રમિકોને બચાવાયા

Social Share

અમદાવાદઃ શહેરના હીરાવાડી વિસ્તારમાં જીડી હાઇસ્કૂલ નજીક આવેલા અવધ એસ્ટેટમાં પ્લાસ્ટિકના દાણા અને રબરના ગલવ્ઝ  બનાવતી ફેક્ટરીમાં  સવારે આગ લાગી હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની 15 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી કલાકમાં આગને કાબુમાં લીધી હતી. ફેક્ટરીમાં આગ લાગતા બે શ્રમિકો ફસાયા હોવાની જાણ થતાં  ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બંનેને રેસ્ક્યુ કરી અને બહાર કાઢવામાં આવ્યા હતા. ફેક્ટરીના ત્રીજા માળે શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું ફાયર બ્રિગેડનું માનવું છે.

શહેરના ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ  આજે સવારે ફાઇબર કંટ્રોલરૂમમાં મેસેજ મળ્યો હતો કે, શહેરના મેમકો હીરાવાડી પાસે જીડીઆઈ સ્કૂલ નજીક આવેલા અવધ એસ્ટેટમાં ફેક્ટરીમાં મોટી આગ લાગી છે. જેથી ફાયર બ્રિગેડની એક બાદ એક એમ કુલ 15 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફેક્ટરીના ત્રીજા માળે શોર્ટ સર્કિટથી આગ લાગી હતી અને પ્લાસ્ટિકના દાણા તેમજ રબરના ગલવ્ઝ બનાવતી ફેક્ટરી હતી. પ્લાસ્ટિકના દાણા હોવાથી આગ ખૂબ જ ઝડપથી વધી ગઈ હતી અને વિશાળ આગ આખી ફેક્ટરીમાં ફાટી નીકળી હતી. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ચારે તરફથી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. એક કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. ફેક્ટરીમાં આગ લાગી તે સમયે બે શ્રમિકો હાજર હતા. આગ વિકરાળ હોવાના કારણે બંને શ્રમિકો બહાર નીકળી શક્યા ન હતા. પરંતુ ફાયર બ્રિગેડ ત્યાં પહોંચી ત્યારબાદ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા બંનેને બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ સવારે ફેક્ટરીના ત્રીજા માળે શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. હાલમાં આગ કાબુમાં આવી ગઈ છે અને ફેક્ટરીમાં કુલિંગની કામગીરી ચાલી રહી છે. આગમાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી.