FIFA WC 2022: રોનાલ્ડો સતત પાંચ વર્લ્ડ કપ રમનારો પ્રથમ ખેલાડી બન્યો, જાણો કેટલા ગોલ કર્યા…..
પોર્ટુગલ : FIFA વર્લ્ડ કપ 2022 (FIFA WC 2022)માં ગુરુવારે રાત્રે પોર્ટુગલ વિરુદ્ધ ઘાના મેચમાં, ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ 65મી મિનિટે ગોલ કરીને તેની ટીમને લીડ અપાવી. આ ગોલ સાથે તેણે ફૂટબોલ વર્લ્ડ કપના ઈતિહાસમાં એક મોટો અને ઐતિહાસિક રેકોર્ડ પણ બનાવ્યો. આ રેકોર્ડ મુજબ, તે 5 ફીફા વર્લ્ડ કપમાં ગોલ કરનાર પ્રથમ પુરુષ ફૂટબોલર બની ગયો છે.
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ 2006માં પહેલી વાર વર્લ્ડ કપમાં પદાર્પણ કર્યું હતું. તે વર્લ્ડ કપમાં, તેણે પેનલ્ટી સ્પોટથી ઈરાન સામે તેનો પ્રથમ ગોલ કર્યો હતો. આ પછી, વર્લ્ડ કપમાં તેનો આગામી ગોલ ચાર વર્ષ પછી આવ્યો. રોનાલ્ડોએ 2010ના વર્લ્ડ કપમાં નોર્થ કોરિયા સામે ગોલ કર્યો હતો. તેણે વર્લ્ડ કપ 2014માં ઘાના સામેની મેચમાં પણ ગોલ કર્યો હતો. રોનાલ્ડો માટે વર્લ્ડ કપ 2018 ખૂબ જ શાનદાર રહ્યો હતો. તેણે છેલ્લા વર્લ્ડ કપમાં ચાર ગોલ કર્યા હતા. જેમાં તેણે સ્પેન સામે હેટ્રિક ફટકારી હતી.
37 વર્ષીય રોનાલ્ડોએ પોર્ટુગલ માટે અત્યાર સુધીમાં 5 વર્લ્ડ કપમાં કુલ 18 મેચ રમી છે. આમાં તેના નામે હવે 8 ગોલ નોંધાયા છે. એકંદરે તેની કારકિર્દીમાં, તેણે પોર્ટુગલ માટે 118 ગોલ કર્યા છે. રોનાલ્ડો વર્ષ 2003માં પોર્ટુગલ માટે પહેલી વાર મેદાનમાં ઉતર્યો હતો. તેણે યુરો 2004માં તેની કારકિર્દીનો પ્રથમ ગોલ ગ્રીક ટીમ સામે કર્યો હતો.
જો કે, ફૂટબોલના આ ક્ષેત્રમાં આ રેકોર્ડ બે મહિલા ખેલાડીઓના નામે નોંધાયેલો છે. મહિલા ફૂટબોલમાં આ રેકોર્ડ બે મહિલા ખેલાડીઓ પહેલા જ પોતાના નામે કરી ચૂકી છે. FIFA મહિલા વિશ્વ કપ 2019માં, માર્થા અને ક્રિસ્ટિન સિંકલેરે 5 અલગ-અલગ વિશ્વકપમાં આ ગોલ કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો.
(ફોટો: ફાઈલ)