અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. બીજી તરફ કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન પાટણની સબજેલમાંથી સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર આઠ કેદીઓને મુક્ત કરવામાં આવ્યાં છે. જેલમાં બંધ કેદીઓ કોરોના સંક્રમિત ના થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. એટલું જ નહીં બે મહિના માટે મુક્ત કરાયેલા આ કેદીઓને રાશનની કીટ પણ જેલ સત્તાવાળાઓ દ્વારા આપવામાં આવી હતી. મહેસાણા જિલ્લાની જેલમાંથી 7 કેદીઓને મુક્ત કરાયા છે. જેમાં મહેસાણા જેલમાંથી 7 કાચા કામના કેદીઓને મુક્ત કરાયા છે. જેમને વચગાળાના જામીન પર 90 દિવસ માટે મુક્ત કરાયા છે. કોરોના સંક્રમણને ધ્યાને રાખી નિર્ણય લેવાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જેલમાં મહામારી ના વકરે તે માટે તાજેતરમાં સુપ્રીમ કોર્ટની સૂચના અનુસાર હાઈપાવર કમિટીની બેઠક મળી હતી. જેમ વિચાર વિમર્શ કરી રાજ્યની જેલોમાં કોરોના સંક્રમણ ન ફેલાય અને કેદીઓની સંખ્યા મર્યાદિત રહે તે માટે સાત વર્ષથી ઓછી સજા ભોગવતા હોય તેવા કેદીઓને બે મહિના માટે જેલ મુક્ત કરવાનો નિર્ણય લેવાયો હતો. જેથી પાટણ સુજનીપુર સબજેલમાં સાત વર્ષથી ઓછી સજા ભોગવતા છ કાચા કામના અને બે પાકા કામના મળી કુલ આઠ કેદીઓને બે મહિના માટે જેલમુક્ત કરવામાં આવ્યા હતા જેલ મુક્ત કરવામાં આવ્યાં હતા. તેમજ કેદીઓને સબજેલ દ્વારા પરિવારના ભરણપોષણ માટે રોશન કીટ પણ આપવામાં આવી હતી.
મુક્ત થયેલા કેદીઓએ જણાવ્યું હતું કે, હાલની કોરોના મહામારી વચ્ચે અમે સમાજ વચ્ચે જઈ કોરોના વોરિયર્સ તરીકેની ભૂમિકા અદા કરીશું. જેલ પ્રશાસન દ્વારા માનવતાવાદી અભિગમ અપનાવી અમારી સુધારણા માટે જે શીખવાડ્યું છે તેના પર અમલ કરીશું.