Site icon Revoi.in

અફ્ઘાનિસ્તાનમાં હવે તાલિબાન અને આઈએસ વચ્ચે ઘર્ષણ શરૂ

Social Share

દિલ્હી :જે રીતે તાલિબાન દ્વારા અફ્ઘાનિસ્તાનમાં સત્તા છીનવીને પોતાનું રાજ કાયમ કરવામાં આવ્યું તેને જોતા ઘણા જાણકારોએ પહેલાથી જ ભવિષ્યવાણી કરી દીધી હતી કે,તાલિબાનના રાજ હેઠળ અફ્ઘાનિસ્તાનનું ભવિષ્ય અંધારામાં જ છે, અને જે રીતે હવે ત્યાં સ્થિતિ સર્જાઈ રહી છે તેને જોતા લાગે છે કે તે તમામ જાણકારોની વાત સાચી પડી રહી છે, વાત એવી છે કે હાલ હવે તાલિબાનને તમામ મોર્ચે ટક્કર આપવા માટે હવે ત્યાં આઈએસ ઉભુ થઈ રહ્યું છે જે અફ્ઘાનિસ્તાન માટે તાલિબાન કરતા પણ વધારે જોખમી છે.

પૂર્વ અફઘાનિસ્તાનમાં અમુક-અમુક દિવસના અંતરે મૃતદેહો મળી આવે છે. તેમાંથી અમુકને ગોળી મારવામાં આવી હોય છે, કોઈને ફાંસી અપાયેલી હોય છે તો કેટલાકના સર કલમ કરી દેવામાં આવ્યા હોય છે. કેટલાકના ખિસ્સામાંથી હાથેથી લખાયેલી ચિઠ્ઠીઓ મળી આવે છે, જેમાં આરોપ મૂકવામાં આવે છે કે તેઓ ઇસ્લામિક સ્ટેટની અફઘાન શાખાના સભ્ય હતા. આ ગેરકાયદેસર હત્યાઓની કોઈ ઔપચારિક રીતે જવાબદારી નથી લઈ રહ્યું, પરંતુ એવું માનવામાં આવે છે કે તેની પાછળ તાલિબાનોનો હાથ છે. ઑગસ્ટ મહિનામાં કાબુલ ઍરપૉર્ટની બહાર ભયાનક વિસ્ફોટ થયો હતો, જેમાં 150 લોકોનાં મૃત્યુ થયાં હતાં. તેની પાછળ તાલિબાનોના કટ્ટર હરીફ આઈએસનો હાથ હોવાનું માનવામાં આવે છે.

તાલિબાનનો બળવો સમાપ્ત થતાં અફઘાનિસ્તાનમાં અગાઉ કરતાં વધારે શાંતિ પ્રવર્તી રહી છે. જોકે, જલાલાબાદમાં તેના લડાવૈયાઓ ઉપર લગભગ દરરોજ હુમલા થઈ રહ્યા છે. જેની પાછળ આઈએસનો હાથ હોવાનું માનવામાં આવે છે, જેને સ્થાનિક લોકો ‘દાએશ’ તરીકે ઓળખે છે. અગાઉની સરકાર સામે તાલિબાને પણ આવી જ વ્યૂહરચના અપનાવી હતી, હુમલો કરો અને નાસી છૂટો. જેમાં રોડની પાસે બૉમ્બ મૂકી તેના વિસ્ફોટ કરવા તથા ગુપ્ત રીતે હત્યાઓને અંજામ આપવાનો સમાવેશ થાય છે.