નવી દિલ્હીઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર દેશ હાલ રામના નામમાં લીન બન્યો છે. અનેક વર્ષોથી રામ જન્મભૂમિ આંદોલન સાથે જોડાયેલા રામ સેવકો તા. 22મી જાન્યુઆરીની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે અને ભગવાન શ્રી રામને અયોધ્યામાં બિરાજમાન થતા જોવા તેમની આંખો પણ તરસી રહી છે. દરમિયાન બોલિવૂડના જાણીતા અભિનેતા અનુપમ ખેરે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી એક વીડિયો શેર કરીને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવા મળેલા આમંત્રણને લઈને ખુશી વ્યક્ત કરી હતી.
વીડિયો શેર કરતા અનુપમ ખેરે કહ્યું, ‘હું 22 જાન્યુઆરીએ અયોધ્યામાં મારા પૂર્વજો અને ખાસ કરીને મારા દાદા પંડિત અમરનાથજીનું પ્રતિનિધિત્વ કરીશ. આ બધાએ રામ મંદિરની સ્થાપનાનું સપનું જોયું હતું. મારા તમામ કાશ્મીરી હિન્દુ ભાઈઓ અને બહેનો આધ્યાત્મિક રીતે મારી સાથે રહેશે. વીડિયોમાં અનુપમ ખેર રામ-નામી ગમચો પહેરેલા જોવા મળી રહ્યા છે અને તેમણે કપાળ પર તિલક પણ લગાવ્યું છે. સોશિયલ મીડિયા પર લોકો તેમના આ નવા અવતારને ખુબ પસંદ કરી રહ્યાં છે.
કાશ્મીરી પંડિતોને યાદ કરતાં અનુપમ ખેરે જણાવ્યું હતું કે, ‘શ્રી રામ લાલાનું અયોધ્યા પરત ફરવું એ વિશ્વાસ જગાડે છે કે જેણે પણ તેમની એક અવધપુરી ક્યાંક છોડી દીધી છે, તે ચોક્કસ એક દિવસ તેને શોધી લેશે. આ શ્રી રામના આશીર્વાદ છે કે મને આ ઐતિહાસિક સમારોહમાં ભાગ લેવાનો અને તમારી સાથે આ ખુશી વહેંચવાની તક મળી છે. હું તમારા બધા માટે પણ પ્રાર્થના કરીશ! જય શ્રી રામ.’