મુંબઈઃ બોલીવુડના એક સમયના સુપરસ્ટાર 98 વર્ષિય દિલીપકુમાર સોશિયલ મીડિયામાં વધારે એક્ટિવ રહેતા નથી. વધતી ઉંમર સાથે છેલ્લા કેટલાક સમયથી તેમની તબીયત પણ નાદુરસ્ત છે. દરમિયાન ફિલ્મ અભિનેતા દિલીપ કુમાર અને જાણીતા ઉદ્યોગપતિ જેઆરડી ટાટાની ફ્લાઈટમાં થયેલી મુલાકાતનો કિસ્સો તેમણે પોતાની બાયોગ્રાફીમાં ઉલ્લેખ કર્યો હતો. આ મુલાકાતમાં અભિનેતાને જીવનની મોટી શીખ પણ મળી હતી.
દિલીપકુમારે પોતાની બાયોગ્રાફીમાં લખ્યું છે કે, હું જ્યારે કેરિયરમાં ટોચ ઉપર હતો ત્યારે એક વાર એરઈન્ડિયાની ફ્લાઈટમાં સફર કરતો હતો. મારી બાજુની સિટ ઉપર એક બુજુર્ગ બેઠા હતા. તેઓ એકદમ સાધારણ પેન્ટ અને શર્ટમાં હતા. તેમને જોઈને એવુ લાગતું હતું કે તેઓ એક સામાન્ય પરિવાર છે અને ભણેલા-ગણેલા લાગતા હતા. ફ્લાઈટમાં અન્ય પ્રવાસીઓ મને ઓળખી ગયા હતા પરંતુ તેઓ મારી હાજરીથી અજાણ હોવાનું લાગ્યું હતું.
બાયોગ્રાફીમાં વધારેમાં લખ્યું છે કે, તેઓ ન્યૂઝ પેપર વાંચી રહ્યાં હતા અને બારીમાંથી બહાર જોતા હતા. આ દરમિયાન ચા આવતા તેમણે શાંતિથી ચા લીધી હતી. આ સમયે તેમની સાથે વાતચીત કરવા માટે હું તેમની સામે હસ્યો હતો. જેથી તેમણે પણ સામે સ્માઈલ આપીને હેલ્લો કહ્યું હતું. જે પછી અમારી વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. તેમજ ફિલ્મોનો મુદ્દો ઉઠ્યો હતો. તો મે તેમને સવાલ કર્યો કે આપ ફિલ્મો જોવો છો. ત્યારે તેમણે કહ્યું કે હાં ક્યારેક જોવુ છું. ઘણા વર્ષો પહેલા જોઈ હતી. મે તેમને કહ્યું કે, હું ફિલ્મોમાં કામ કરું છે. તો તેમણે કહ્યું કે, આ બહુ સરસ છે પરંતુ આપ કરો છો શું ? ત્યારે મે તેમને કહ્યું કે, અભિનેતા છું. તો તેમણે કહ્યું કે, આ તો ખુબ સારુ કહેવાય. જ્યારે ફ્લાઈટનો પ્રવાસ પુરો થયો ત્યારે મે તેમની તરફ હાથ આગળ વધારીને કહ્યું કે, આપની સાથે સફર સારો રહ્યો મારુ નામ દિલીપકુમાર છે. તે સમયે તેમણે મને કહ્યું કે, આભાર આપને મળીને સારુ લાગ્યું, હું જેઆરડી ટાટા છું.
અભિનેતાએ આગળ લખ્યું કે, તે સમયે મને સમજ પડી કે કોઈ ફર્ક નથી પડતો કે આપ કેટલા મોટા છો, કેમ કે કોઈ હંમેશા આપથી મોટુ છે. હંમેશા વિનમ્ર રહો.. જેઆરડી ટાટાએ જ એર ઈન્ડિયાની એરલાન્સની સ્થાપના કરી હતી.