ફિલ્મ અભિનેતા સોનુ સુદ આંધ્રપ્રદેશમાં ઓક્સિજન પ્લાન્ટની કરશે સ્થાપના
મુંબઈઃ લોકડાઉનમાં ફસાગેલા શ્રમજીવીઓ અને જરૂરીયાતમંદ લોકોની મદદ કરનારા ફિલ્મ અભિનેતા સોનુ સુદે હવે જૂન મહિનામાં આંધ્રપ્રદેશમાં કેટલાક ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કરવાનો નિર્ણય કર્યો હતો. આ અંગે તેમણે સોશિયલ મીડિયા મારફતે જાહેરાત પણ કરી હતી.
ફિલ્મ અભિનેતા સોનૂ સૂદે ટ્વિટ કરીને કહ્યું છે કે મારા ઓક્સીજન પ્લાન્ટનો પહેલો સેટ કુરનૂલ સરકારી હોસ્પિટલમાં અને એક જિલ્લા હોસ્પિટલ, આત્માકુર, નેલ્લોર, એપીમાં જૂન મહિનામાં સ્થાપિત કરાશે. આ પછી જરૂરિયાતમંદ રાજ્યોમાં વધારે પ્લાન્ટ સ્થાપિત કરાશે. આ ગ્રામીણ ભારતનું સમર્થન કરવાનો સમય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીની બીજી લહેરમાં હોસ્પિટલોમાં બેડની અછત ઉભી થઈ હતી. તેમજ ઓક્સિજનની ભારે અછત સર્જાઈ હતી. જેથી દર્દીઓ અને તેમના પરિવારજનોની મુશ્કેલી વધી હતી. કોરોનાની બીજી લહેરમાં અનેક દેશોએ ભારતને જરૂરી મદદ પુરી પાડી છે. તેમજ કેન્દ્ર અને વિવિધ રાજ્યો સરકાર પણ ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરી રહ્યાં છે. જેથી ફરી આવી સમસ્યા ઉભી થાય તો તેનો મુકાબલો કરી શકાય.