Site icon Revoi.in

મેડલ ફિલ્મનો રિવ્યુઃ મેડલ નાતજાત જોઈને નહિ, ટેલેન્ટથી આવે

Social Share

ફિલ્મ રિવ્યુ: મેડલ

થોડા સમય પહેલાં જ મેં મેડલ ફિલ્મ જોઈ. બહુ ઓછાં લોકો ફિલ્મ જોવા આવ્યાં હતાં. થોડું આશ્ચર્ય થયું અને પછી સહજ સ્વીકાર્યું કે અરે, ગુજરાતી ફિલ્મ છે એટલે સ્વાભાવિક છે, લોકો જોવા નથી જ આવતાં એક ગુજરાતી તરીકે આ બહુ ખરાબ લાગે તેવી વાત હતી, પણ શું થાય, કોને કહેવાય? ગુજરાતી ફિલ્મોને ઘર આંગણે જ કોઈ પૂછે નહિ અને પછી અપેક્ષા એવી રખાય કે ગુજરાતી ફિલ્મ નેશનલ કક્ષાના એવોર્ડ લાવે, મેડલ લાવે, ક્યાંથી આવે???

મેડલ મેળવવા પાછળની વાત કરીએ? આપણામાંથી કેટલાએ કોઈપણ ક્ષેત્રે કોઈ વિશિષ્ટ સિદ્ધિ કે મેડલ મેળવ્યો હશે?! જેણે મેળવ્યો હશે ને એ દરેકને આ ફિલ્મ પોતીકી લાગશે! જાણે પોતાના જ સંઘર્ષની કોઈ કથા ના હોય, એવું અનુભવાશે.

ફિલ્મ વિશે લખવું મને બહુ ગમે છે, એમાં પણ જૂની ગુજરાતી ફિલ્મોની શોખીન રહી હતી. અત્યારે આ નવા ટ્રેન્ડની ગુજરાતી ફિલ્મોની એક અલગ મોસમ પૂરબહારમાં ખીલી છે. જો કે દરેક ફિલ્મ સારી જ કે ખરાબ છે એ બધાંની ચર્ચા અસ્થાને છે. પણ ગઈકાલે જે ફિલ્મ જોઈ, એના વિશે ચોક્કસ કશુંક કહેવા માંગું છું.ફિલ્મ સાથે જોડાયેલાં કલાકારો અને કસબીઓને હું હાલ અહીં ઉલ્લેખ નથી કરતી, પાછળ જણાવ્યા છે.

વાત કરીએ ફિલ્મની અંદર શું શું છે? જોગાનુજોગ આમ તો હાલમાં જ આવેલી એક બીજી ફિલ્મની અસર સહેજ સહેજ જોવા મળી, પણ એ એક સંયોગ માત્ર જ હોઈ શકે, એવું માનું છું.

એક સાધારણ અંતરિયાળ ગામના શિક્ષકની અંદર પોતાના વિદ્યાર્થીઓ માટે પ્રદીપ્ત આશા અને ઉત્સાહની વાત આ ફિલ્મમાં દર્શાવાઈ છે. ફિલ્મ એક જ વાર્તામાં નથી ચાલતી અને સાથે જ એક જ મૂલ્ય લઈને પણ નહીં. આદર્શ કલ્પનાઓની, આદર્શ મૂલ્યોની સ્થાપના વિશે પણ અહીં કોઈ વાત કરવાની કોશિશ નથી.

મુખ્ય નાયક આ ફિલ્મમાં એક નથી, પણ જેટલાં પાત્રો છે એ દરેક મુખ્ય પાત્ર છે. દરેક પાત્ર જાણે તમારી આસપાસના જ કોઈ વ્યક્તિનું પ્રતિનિધિત્વ કરતું દેખાશે.

પહેલાંની ગુજરાતી ફિલ્મો પ્રાદેશિક પરિવેશમાં બનતી અને લગભગ કોઈ એક કથા કે સમાજનું પ્રતિનિધિત્વ કરતી, જેમાં કોઈ ખાસ મુદ્દા પર સંઘર્ષ થાય અને એનું નિરાકરણ નીકળે. બસ, રાજા રાણીએ ખાધું, પીધું ને રાજ કર્યું. પણ આજની ફિલ્મો હવે આ બધાંમાંથી આગળ નીકળી ગઈ છે. મેડલ ફિલ્મમાં આ સિવાયના બધાં જ સંઘર્ષ તમે જોઈ શકો છો…કયા પાત્રની વાત કરું અને કયા પાત્રને છોડી દઉં, એવું થઈ રહ્યું છે!

વાર્તાનો મુખ્ય આધાર અને પાત્ર કોઈપણ શાળાનો એક આદર્શ શિક્ષક છે, જે પોતાની શાળા માટે બધું જ કરી છૂટવા માંગે છે; કોઈપણ સમાજનો એક વ્યક્તિ છે, જે તેના સમાજિક મોભા સાથે સંઘર્ષ કરે છે; દરેક એ બાળક છે, જેનામાં ઘણી આવડત ભરી છે,પણ તેને ખબર નથી કે એનામાં શું પડ્યું છે અને તેને કેવી રીતે બહાર લાવવાનું છે! વાર્તાની અંદર અનેક પાત્રોના મનોસંઘર્ષ બહુ સૂક્ષ્મ રીતે વણી લેવામાં આવ્યા છે. આ તો થઈ ફિલ્મના પ્રાણ તત્વની વાત.

ફિલ્મ કેવી બની છે, તેની વાત કરીએ. કોઈ ભવ્ય સેટ, બહુ જ મોટાં કલાકારો, જબરજસ્ત ગીતો, ડાન્સ, એક્શન સિકવન્સ, કે કોઈપણ પ્રકારની સ્પેશ્યલ ઈફેક્ટ વિનાની આ ફિલ્મ બની છે જોરદાર સ્ક્રિપ્ટ અને જબરજસ્ત કાસ્ટિંગના બળે. ફિલ્મની વાર્તા જ્યારે સ્ક્રિપ્ટ બની હશે અને એને બનાવવામાં જે માવજત લેવાઈ હશે, તે દરેક સીનમાં તમે જોઈ શકશો. કલાકારોએ પણ પાત્રોમાં પ્રાણ રેડી દીધાં છે. સંવાદમાં તો તમે તાળીઓ પાડી જ દેવાના એવા અદભુત સંવાદ અને દિગ્દર્શન પણ જબરજસ્ત.

ફિલ્મમાં ગ્રામ્યજીવનના પરિવેશમાં સંબંધો અને લાગણીઓ સાથે જ આદર્શો અને કહેવાતા ઊંચા સમાજના પણ સમીકરણો અહીં જે રીતે ઉકેલાયા છે, તે ખરેખર અદ્ભુત છે. મસ્ત મજાના ગામડાંનો અસલી માહોલ, પાદર, તળાવ, વડલો, સમાજના વાડા, નાની દુકાનો, બાળકોના તોફાનો, ગામડાંની શાળાનું વાતાવરણ, પ્રાર્થના, રમતો, ને ભોજનમાં ગામડાંનો દેશી સ્વાદ (એક પાત્રના મુખે કહીએ તો ‘સ્વાદની પટરાણી’ જેવો) એમ સઘળું આટોપી લેવાયું છે.

ને છેલ્લે મેડલની વાત કરું, તો ફિલ્મની એક પંચલાઈન છે કે “મેડલ નાતજાત જોઈને નહિ, ટેલેન્ટથી આવે છે.” આ વાક્યની આસપાસ જ દરેક પાત્રમાં રહેલી ટેલેન્ટ આ ફિલ્મને આગળ લઈ જાય છે અને દરેક પાત્ર પોતાનો મેડલ મેળવે છે. સૌના આંતરિક મનોસંચલનો તેમના બાહ્ય વર્તનમાં કેવી રીતે પડઘો પાડે છે, તે આ ફિલ્મમાં બખૂબી બતાવી શકાયું, એમાં પાત્ર અને દિગ્દર્શક બંનેની વાહવાહી કરવી પડે.

ફિલ્મનો કેન્દ્રવર્તી વિચાર એ છે કે  એક રીતે ફિલ્મનો મેસેજ એવો છે કે નબળાં અને તકવંચિત બંને લોકોને તક અને હૂંફની જરૂર છે. ઘરમાં મા અને નિશાળમાં માસ્તર જો ખૂલીને બાળકની પાછળ પડી જાય ને તો બાળક પૂરેપૂરું ખીલી જાય છે. જરૂરિયાતમંદ સૌ બાળકોને સમાન તક મળવી એ દરેક બાળકનો અધિકાર છે, પછી એ કોઈ અંતરિયાળ ગામની નનકડી પ્રાથમિક શાળાનું બાળક હોય કે પછી કોઈ અલ્ટ્રા મોડર્ન શાળા હોય, ભણવાનો, જ્ઞાન મેળવવાનો અને સમાન તકનો અધિકાર સૌને મળવો જોઈએ, એવી એક પાયાની વાત અહીં દર્શાવવામાં આવી છે. નાના હતા ત્યારે શાળામાં પ્રાર્થના સાથે જ બાળકોને સાથે રમીએ, સાથે જમીએનું સૂત્ર પણ સમજાવવામાં આવેલું અને ત્યાં જ સૌનો સામૂહિક વિકાસ કરવાની ભાવના પણ કેળવાતી. કંઇક આવા જ વિચાર સાથે આ ફિલ્મ આપણી વચ્ચે આવી છે.

મેડલ માત્ર એક વસ્તુ નથી, જેને કોઈ સ્પર્ધામાં મેળવી લીધો અને વાત પૂરી..મેડલ છે પોતાની જાત સાથેની વફાદારી, પોતાની જાતને પોતાના કરતાં પહેલાં મૂકવાની હિંમત અને પોતાના સંઘર્ષોને ખેડીને જાતને ઉલેચવાની કવાયત.વિપરીત સંજોગોમાં પણ પોતાના અસ્તિત્વને ટકાવી રાખવાના પ્રયત્નો અને પોતાની જાત પર રાખેલો વિશ્વાસ.

હવે કરું પાત્રોના અસલી નામ સાથેનો પરિચય?

જયેશ મોરે અને વૈશાખ રતનબેન બંને બરાબરના બળિયા શિક્ષકો અને કલાકારો છે અને એમને ટક્કર આપે છે, ગ્રે શેડના પાત્રમાં જબરજસ્ત અભિનય કરનાર હેમાંગ દવે, આ ત્રણેયને અને શાળાને  સાચવે છે, આચાર્ય અર્ચન ત્રિવેદી, હવે એમને ડરાવે છે સરપંચ ચેતન દૈયા અને આ બધાયની વચ્ચે જોડતી કડી બને છે મૌલિક નાયક, જેની માટે કંઈ પણ કહેવું ઓછું પડશે, એના પાત્રની કઈ વાત કરું ને કઈ ના કરું, ને હા એની રસોઈકલા અને એના વર્ણનના તો શું વખાણ કરવા?! શાળાના શિક્ષકોનાં અસલી પરિચય સમા મનીષા ત્રિવેદીના હાસ્ય વગર તો શાળાનું એક પણ સીન જાણે અધૂરું લાગે અરવિંદ વેગડાની જોરદાર એન્ટ્રી, શૌનક વ્યાસની સાઇકલ સવારી, કિંજલ રાજપ્રિયનો i will not quit વાળો attitude …આ સઘળું એકબીજાની જરૂરી અને જોડતી કડી બને છે, પણ આ બધાં જેમને કારણે ભેગાં થયાં છે એ તોફાની બારકસોની ટોળી એટલે કરણ પટેલ, ભવ્યા સિરોહી, નિયતિ સુથાર અને અન્ય બાળ કલાકારો…

બીજી તરફ કસબીઓની વાત કરીએ તો editing સરસ, સ્ક્રિપ્ટ તો મસ્ત જ છે, ડાયલોગ જોરદાર છે,દિગ્દર્શનમાં તો બાળકો પાસે જે કામ કઢાવ્યું એમાં કહેવું જ પડે કે વાહ, બેક ગ્રાઉન્ડ સ્કોર પણ સાથ આપે છે. આમ પ્રોડક્શન દ્વારા બહુ જ ઝીણવટથી કામ કર્યું હોય એ દેખાઈ આવે છે.

આ ફિલ્મને ઓવર રેટ ના જ કરી શકાય, કેટલીક ખામીઓ પણ છે જ. ઇન્ટરવલ પછી થોડી ધીમી પડેલી ફિલ્મ જાણે થોડો પોરો ખાવા અટકી હોય એવી લાગે છે. લગભગ બધું જ prediction થઈ શકે એટલું સરળ પણ તોય જ્યારે ટ્વીસ્ટ આવે તો તમને જોવું ગમે એવું. વાર્તા ધીમે ધીમે આગળ વધે છે અને પાછી ફ્લેશબેક જેવી પણ ક્યાંક સમાંતરે ચાલે છે એટલે બેઉ બાજુ બેલેન્સ કરવામાં ક્યાંક કચાશ તો છે જ. કલાકારો બહુ જ દમદાર ડાયલોગ બોલે છે એવું પણ નથી. માવજતમાં પણ ક્યાંક કચાશ તો છે જ. વાર્તામાં નવું પણ કશું નથી કે કંઇક વિશેષ આવવાનું હોય! ને છતાંય જો તમને મેડલ કઈ રીતે મળે એ જોવું, જાણવું અને શીખવું, સમજવું હોય, તો એકવાર ચોક્કસ આ ફિલ્મ જોઈ શકાય.

એક નાનકડી સલાહ અને વિનંતી કે આ ફિલ્મ એટલા માટે જોવી, કે જો તમે ક્યારેય કોઈ એક નાનકડી તક ચૂક્યાનો અફસોસ કરી, પીછેહઠ કરી હોય ને તો આ ફિલ્મ જોઈને તમારો આત્મવિશ્વાસ પાછો મેળવી શકો છો. શાળામાં ભણતાં કે કોઈ પણ પ્રકારનો ઉચ્ચ અભ્યાસ કરતાં બાળકોને મહેનત, ધગશ અને આત્મવિશ્વાસ શીખવવા માટે પણ આ ફિલ્મ જોવી અને બતાવવી જોઈએ. તમારામાં કોઈ ટેલેન્ટ છે અથવા તમે તેને છુપાવી રાખી છે? કારણ કોઈ કદર નથી કરી રહ્યું, તો આ ફિલ્મ જરૂરથી જુઓ. સાચી ટેલેન્ટને એનો રસ્તો મળી જ જતો હોય છે, તમને પણ મળશે જ! તમે જે આદર્શ સાથે મોટાં થયાં, આજે એની કિંમત નથી થઈ રહી, તો એમાં તમે ક્યાંક કશુંક ચૂક્યા હશો, શું ચૂક્યા છો, આ ફિલ્મ તમને બતાવશે, જરૂરથી જુઓ જ. તમારી અંદર કંઇક કરી બતાવવાની લગન છે, તો આ એ ફિલ્મ છે, જે તમારી ભીતરના ‘કંઇક’ને બહાર લઈ આવશે.

© જિગીષા રાજ

મો)9974657113

ઈ મેઈલ: jigisharaj.research@gmail.com