1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં પ્રથમવાર ફિલ્મફેર એવોર્ડ યોજાશે, પ્રવાસન નિગમે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કર્યા MOU
ગુજરાતમાં પ્રથમવાર ફિલ્મફેર એવોર્ડ યોજાશે, પ્રવાસન નિગમે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કર્યા MOU

ગુજરાતમાં પ્રથમવાર ફિલ્મફેર એવોર્ડ યોજાશે, પ્રવાસન નિગમે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કર્યા MOU

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં પ્રથમવાર આયોજિત થનારા 69મા ફિલ્મફેર એવોર્ડસ દ્વારા ગુજરાત દેશમાં ફિલ્મ ડેસ્ટિનેશન સ્ટેટ તરીકે પ્રમોટ થશે. આ 69મા ફિલ્મફેર એવોર્ડસના આયોજન માટે રાજ્ય સરકારના સાહસ ટુરીઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ અને વર્લ્ડ વાઈડ મિડીયા પ્રા. લિમિટેડ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે MOU કરવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકારે 2022માં જાહેર કરેલી સિનેમેટીક ટુરીઝમ પોલિસીને પગલે ગુજરાતમાં ફિલ્મ ઉદ્યોગો આકર્ષિત થયા છે. તેમાં આ ફિલ્મફેર એવોર્ડ-2024નું આયોજન વધુ એક સિમાચિન્હ બનશે. ગુજરાતમાં પ્રથમ વખત ફિલ્મફેર એવોર્ડ્સ આયોજિત થવા જઇ રહ્યા છે, તે સંદર્ભમાં આ MOU સાઈનીંગ અવસરે પ્રવાસન મંત્રી  મુળુભાઈ બેરા, રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, મુખ્યસચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ  કૈલાસ નાથન, રાજ્ય સરકાર ના વિવિધ વિભાગોના અધિક મુખ્ય સચિવો, અગ્ર સચિવો, પ્રવાસન સચિવ  હારિત શુક્લા, પ્રવાસન નિગમના મેનેજિંગ ડાયરેક્ટર અને ટુરિઝમ કમિશનર ડૉ. સૌરભ પારધિ તેમજ ટાઇમ્સ ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર  વીનિત જૈન, વર્લ્ડવાઇડ મીડિયા પ્રા.લિ. ના સીઇઓ  દીપક લાંબા અને લોકપ્રિય હિંદી ફિલ્મ એક્ટર ટાઇગર શ્રોફ ઉપસ્થિત રહ્યા હતા. આ એમ ઓ યુ પર રાજ્ય સરકાર વતી પ્રવાસન નિગમ ના એમ.ડી સૌરભ પારઘી અને વર્લ્ડ વાઈડ મીડિયા વતી સી.ઈ.ઓ દિપક લાંબા એ હસ્તાક્ષર કર્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, ફિલ્મફેર એવોર્ડ્સ એ ભારતીય સિનેમાના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ્સમાંના એક છે. આવા પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહનું આયોજન રાજ્યમાં થવાથી મોટી સંખ્યામાં હસ્તીઓ, ફિલ્મ નિર્માતાઓ અને ઉદ્યોગ વ્યવસાયિકો ગુજરાત આવશે. મુલાકાતીઓનો આ પ્રવાહ રાજ્યમાં પ્રવાસન, હોટેલ બુકિંગ અને અન્ય પ્રવૃત્તિઓને વેગ આપશે, અને લોકલ ઈકોનોમીને બુસ્ટ મળશે તથા એમ્પ્લોયમેન્‍ટ જનરેશન પણ થઈ શકશે. ફિલ્મફેર એવોર્ડ્સનું આયોજન ભારતીય ફિલ્મ ઉદ્યોગ અને ગુજરાતની સ્થાનિક સંસ્કૃતિ વચ્ચે સાંસ્કૃતિક આદાનપ્રદાન સરળ બનાવશે. ગુજરાતના કલાકારો અને ફિલ્મ નિર્માતાઓને ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વ્યવસાયિકો સાથે વતચીત અને વિચારોના આદાન-પ્રદાન કરવાની તેમજ ફિલ્મ પ્રોડક્શનમાં ન્યુ ટ્રેન્‍ડ, ટેકનોલોજી અને ટેકનિક્સ વિશે જાણવાની તક મળશે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે આ સંદર્ભમાં સ્પષ્ટ મત દર્શાવ્યો કે, વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ આપેલી એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના ફિલ્મ ઈન્‍ડસ્ટ્રી સુપેરે ચરિતાર્થ કરે છે. રાજ્યમાં ફિલ્મફેર એવોર્ડ્સના આયોજનથી રાજ્યને ફિલ્મ ડેસ્ટિનેશન સ્ટેટ તરીકે પ્રમોટ કરી શકાશે. તેનાથી ગુજરાતને સંભવિત ફિલ્મી લોકેશન તરીકે નોંધપાત્ર એક્સપોઝર અને પ્રમોશન મળશે.  આ ઈવેન્ટ રાજ્યના કુદરતી સૌંદર્ય, સાંસ્કૃતિક વારસો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું પ્રદર્શન કરશે, જે ફિલ્મ નિર્માતાઓને ગુજરાતનો ભવિષ્યના ફિલ્મ પ્રોજેક્ટ્સ માટે બેકડ્રોપ તરીકે ઉપયોગ કરવા માટે આકર્ષિત કરશે. તેના પરિણામે રાજ્યમાં ફિલ્મ નિર્માણ અને રોકાણમાં વધારો થશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

ટાઇમ્સ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર શ્રી વિનીત જૈને જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર અને વર્લ્ડવાઈડ મીડિયા વચ્ચેની ભાગીદારીથી ફિલ્મ જગતને નવી તાકાત મળશે. ફિલ્મફેર એવોર્ડનું ગુજરાતમાં આયોજન કરવા પાછળનો હેતુ માત્ર ગુજરાતના પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો જ નહીં, પરંતુ ગુજરાતની ફિલ્મ ઇકો સિસ્ટમને પણ મજબૂત કરવાનો છે. તેમણે ઉમેર્યું હતું કે, ફિલ્મ એવોર્ડના આયોજનથી વિશ્વભરના પ્રોડક્શન હાઉસ ગુજરાત પ્રત્યે આકર્ષિત થશે તેમજ ગુજરાતમાં કલા, સંસ્કૃતિ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન મળશે, જેથી ગુજરાતનો સર્વગ્રાહી વિકાસ થશે. એટલું જ નહિ, વર્ષ – 2024ની શરૂઆતમાં વર્લ્ડવાઈડ મીડિયા ગુજરાતમાં ફિલ્મ ફેર એવોર્ડનું આયોજન કરવાનું વિચારી રહ્યું છે તેમ ઉમેર્યું હતું.

લોકપ્રિય હિન્દી ફિલ્મ અભિનેતા  ટાઈગર શ્રોફે ગુજરાતમાં ફિલ્મ ફેરના આયોજન માટે રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે ખુલ્લા મૂકેલા દ્વાર બદલ તેમનો આભાર વ્યક્ત કરી જણાવ્યું હતું કે, મારા દાદા ગુજરાતી હતા અને પિતાને પરિંદા ફિલ્મ માટે ફિલ્મ ફેર એવોર્ડ પ્રાપ્ત થયેલો છે એટલે જ ફિલ્મ ફેર એવોર્ડ અને ગુજરાત બંને સાથે ખૂબ જૂનો સંબંધ છે. ગુજરાતમાં ફિલ્મ ફેરના આયોજનને પરિણામે ગુજરાતના પ્રવાસન ઉપરાંત ફિલ્મ ઉદ્યોગને વધુ પ્રોત્સાહન મળશે. રાજ્યના પ્રવાસન વિભાગના સચિવ  હારિત શુકલાએ સ્વાગત પ્રવચન કરતા કહ્યું હતું કે, 69માં ફિલ્મ ફેર એવોર્ડની ગુજરાતને યજમાની મળી એ ગુજરાત માટે ગૌરવની વાત છે. તેમણે ઉમેર્યુ કે, ફિલ્મ ઈન્ડ્રસ્ટ્રીઝના માધ્યમ થકી ગુજરાતના પ્રવાસનના વારસાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવામાં નવી દિશા મળશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code