અમદાવાદઃ એશિયા કપ અંગે અમદાવાદમાં લેવાશે અંતિમ નિર્ણય, 3 દેશના ક્રિકેટ બોર્ડના સભ્યો IPLની ફાઈનલ જોવા આવશે નવી દિલ્હીઃ એશિયા કપની યજમાની અંગેનો મામલો હજુ ઉકેલાયો નથી. જ્યાં એક તરફ પાકિસ્તાન તેની યજમાની માટે પ્રયાસ કરી રહ્યું છે, તો બીજી તરફ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) નવા યજમાનની શોધમાં છે. વાસ્તવમાં, ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના જય શાહ ACCના પ્રમુખ છે અને તેમણે ગયા વર્ષે જ કહ્યું હતું કે, ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય.
તેમણે કહ્યું હતું કે તે તટસ્થ દેશમાં થઈ શકે છે. હવે આ મામલે એક નવું અપડેટ આવ્યું છે. એસીસીના પ્રમુખ જય શાહે કહ્યું, “બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને શ્રીલંકા ક્રિકેટ બોર્ડના સંબંધિત પ્રમુખો 28 મેના રોજ અમદાવાદ આવશે. આ બધા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી ટાટા આઈપીએલ 2023ની ફાઈનલને નિહાળશે. અમે તેમની સાથે એશિયા કપ 2023ને લઈને ભવિષ્યની કાર્યવાહી નક્કી કરવા ચર્ચા કરીશું. જો કે, તેમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ નજમ સેઠીનું નામ નથી.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ નજમ સેઠી પોતાના દેશમાં એશિયા કપ કરાવવા માટે ઉત્સુક છે. તેમજ એશિયા કપને પાકિસ્તાનની બહાર રમાડવા મામલે તેઓ વિરોધ કરી રહ્યાં છે તેમજ તેમણે હાઇબ્રિડ મોડલ પણ ઓફર કર્યું હતું. ‘હાઇબ્રિડ મોડલ’ પર ટુર્નામેન્ટનું આયોજન કરવાના PCBના પ્રસ્તાવને સભ્ય દેશોએ ફગાવી દીધો હતો.
આ મોડલમાં કહેવામાં આવ્યું હતું કે, પાકિસ્તાન પોતાની તમામ મેચ પોતાના દેશમાં રમશે. જ્યારે ટીમ ઈન્ડિયા તેની મેચ UAE, દુબઈ, ઓમાન અથવા શ્રીલંકામાં રમી શકે છે. ACCનું કહેવું છે કે, સપ્ટેમ્બર મહિનામાં UAEમાં ભારે ગરમીને કારણે ખેલાડીઓને ઈજા થવાની ભીતિ રહેશે. આવી સ્થિતિમાં શ્રીલંકા એશિયા કપની યજમાનીની રેસમાં સૌથી આગળ છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઘણી વખત એવી ધમકી પણ આપી ચુક્યું છે કે, જો ભારત એશિયા કપ માટે પાકિસ્તાન નહીં આવે તો તેમની ટીમ આ વર્ષે ભારતમાં યોજાનાર વર્લ્ડ કપનો પણ બહિષ્કાર કરશે. આ સિવાય પીસીબીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે, બીસીસીઆઈ પાકિસ્તાન વગર એશિયા કપની તર્જ પર અન્ય એશિયન દેશો સાથે ટૂર્નામેન્ટનું આયોજન કરી રહી છે. જોકે, બીસીસીઆઈએ આ વાતને નકારી કાઢી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નજમ સેઠીનું સ્ટેન્ડ હવે સ્પષ્ટ છે કે જો પાકિસ્તાનમાં એશિયા કપની મેચો નહીં થાય તો પાકિસ્તાનની ટીમ એશિયા કપમાં નહીં રમે.