અમદાવાદના ગોતા સહિત ચાર વિસ્તારના ટાઉન પ્લાનિંગના આખરી ડ્રાફ્ટને મંજુરી માટે મોકલાયા
અમદાવાદઃ શહેરના વિકાસની સાથે વસતીમાં પણ વધારો થઈ રહ્યો છે. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં હવે આગામી 10થી 15 વર્ષ માટેના આયોજનો થઈ રહ્યા છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠકમાં ચર્ચા બાદ પૂર્વ વિસ્તારના લાંભા અને કમોડ વિસ્તારમાં અને પશ્ચિમ વિસ્તારમાં ખોરજ, ત્રાગડ અને ગોતા વિસ્તારમાં ડ્રાફ્ટ ટીપીને ફાઇનલ મંજૂરી માટે રાજ્ય સરકારમાં પરામર્શ માટે મોકલી આપવામાં આવી છે. કુલ 4 જેટલી ટીપી સ્કીમોમાંથી વિકાસ માટે કુલ 158 જેટલા પ્લોટનો કબ્જો વિવિધ હેતુ માટે મળશે. આ તમામ ટીપી સ્કીમના રોડ હવે 18 મીટરના રહેશે. જ્યારે પીપળજપુર અને ગોપાલપુર ટીપી સ્કીમનો ઇરાદો જાહેર કરવામાં આવ્યો છે.
અમદાવાદ મ્યુનિના ટાઉન પ્લાનિંગ કમિટીના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં અલગ અલગ ડ્રાફ્ટ ટીપી સ્કીમને રાજ્ય સરકારને પરામર્શ માટે મોકલી આપવાના કામને મંજૂરી આપવામાં આવી હતી. એમાં લાંભા, કમોડ, ખોરજ- ત્રાગડ અને ગોતા સહિત કુલ ચાર ટીપીનો સમાવેશ થાય છે. ગાર્ડન, ઓપન સ્પેસ, અર્બન ફોરેસ્ટ્રી, રહેણાંક, વાણિજ્ય, પબ્લિક યુટિલિટી અને સ્કૂલ પ્લેગ્રાઉન્ડ વગેરે માટે કુલ 158 જેટલા પ્લોટ મળશે. દિવસે દિવસે જે રીતે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. જેથી આગામી 15થી 25 વર્ષના પ્લાનિંગ સાથે હવે ટીપી રોડની પહોળાઈ 18, 24, 30 અને 36 મીટર રાખવામાં આવી રહી છે. લાંબા ટીપીમાં 53, કમોડ ટીપીમાં, 39 ખોરજ-ત્રાગડ ટીપીમાં 7 અને ગોતા ટીપીમાં 59 એમ કુલ 158 જેટલા પ્લોટ મળવાના છે. જેથી વધુ પ્લોટ ગાર્ડન, ઓપન સ્પેસ અર્બન ફોરેસ્ટ્રી અને પબ્લિક યુટિલિટી માટે મળ્યા છે. પીપળજ-સૈજપુર- ગોપાલપુરની ટીપી સ્કીમનો ઈરાદો જાહેર કરવામાં આવ્યો છે. જેથી આગામી સમયમાં પીપળજ, સૈજપુર અને ગોપાલપુરની આસપાસનો વિકાસ થશે.