પટના-રાંચી વંદે ભારત એક્સપ્રેસનું અંતિમ ટ્રાયલ સફળ,પીએમ મોદી આપશે લીલીઝંડી,ટ્રેનનું સંપૂર્ણ શેડ્યુલ અને ભાડું જાહેર
પટના : બિહારને વંદે ભારત એક્સપ્રેસની ભેટ મળવા જઈ રહી છે. આવી સ્થિતિમાં પટના-રાંચી વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસની રાહ પૂરી થઈ ગઈ છે. રેલવે મંત્રાલય 27 જૂનથી 8 કોચવાળી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું સંચાલન શરૂ કરશે. તેની ત્રીજી અને અંતિમ ટ્રાયલ રન રવિવારે સફળ રહી હતી. અગાઉ 12 અને 18 જૂને આ ટ્રેનની પ્રથમ અને બીજી ટ્રાયલ યાત્રા કરવામાં આવી હતી.
હાજીપુર ઝોનમાં દક્ષિણ-પૂર્વ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી, બિરેન્દર કુમારે જણાવ્યું હતું કે આ આઠ ડબ્બાવાળી હાઇ-સ્પીડ પેસેન્જર ટ્રેનનું ઉદ્ઘાટન 27 જૂને થવાનું છે અને 28 જૂનથી બંને શહેરો વચ્ચે વંદે ભારત એક્સપ્રેસનું નિયમિત સંચાલન પણ અહીંથી શરૂ થશે. આ ટ્રેનનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓનલાઈન કરે તેવી શક્યતા છે.
દક્ષિણ પૂર્વીય રેલ્વેએ શનિવારે એક નિવેદનમાં કહ્યું હતું કે રેલ્વે મંત્રાલય દ્વારા ખાતરી કરવામાં આવી છે કે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પટના-રાંચી-પટના વચ્ચે ચલાવવામાં આવશે. બિહારની રાજધાની પટના અને ઝારખંડની રાજધાની રાંચી વચ્ચે દોડનારી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું 27 જૂને રાંચીમાં ઉદ્ઘાટન કરવામાં આવશે. આ પછી 28 જૂનથી, ટ્રેન નંબર- 22349/22350 પટના-રાંચી-પટના વંદે ભારત ટ્રેન નિયમિતપણે ચલાવવામાં આવશે. આ ટ્રેન મંગળવાર સિવાય અઠવાડિયાના દરેક દિવસે દોડશે.
આ ટ્રેન રાંચીથી પટના 5 કલાક 55 મિનિટમાં પહોંચશે. અને ટ્રેનને પટનાથી રાંચી પહોંચવામાં છ કલાક લાગશે. આ ટ્રેન મેસરા, બરકાકાના, ચરહી, હજારીબાગ, કોડરમા, પહરપુર, જહાનાબાદ થઈને પટના જંકશન પહોંચશે. 28 જૂનથી વંદે ભારત તેના નિર્ધારિત સમયે સાંજે 4.15 વાગ્યે રાંચીથી પટના માટે રવાના થશે.
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન 28 જૂને સવારે 7:00 વાગ્યે પટનાથી ઉપડશે. સવારે 8:25 વાગ્યે આ ટ્રેન ગયા, 9:35 વાગ્યે કોડરમા, 10:33 વાગ્યે હજારીબાગ, 12:20 વાગ્યે મેસરા થઈને 1 વાગ્યે રાંચી પહોંચશે. જ્યારે વાપસીમાં આ ટ્રેન રાંચીથી 04:15 વાગ્યે ઉપડશે અને 10:05 વાગ્યે પટના જંક્શન પહોંચશે.
ટ્રેનનું ભાડું પણ નક્કી કરવામાં આવ્યું છે. પટનાથી રાંચી વચ્ચે એક્ઝિક્યુટિવ ક્લાસનું ભાડું 2110 રૂપિયા અને ચેર કાર માટે 1175 રૂપિયા હશે. જ્યારે પટનાથી ગયા વચ્ચે ચેર કારનું ભાડું 650 રૂપિયા અને એક્ઝિક્યુટિવ ક્લાસનું ભાડું 1070 રૂપિયા હશે.