કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને નાણા મંત્રાલયની મંજુરી, હવે કેબિનેટમાં લેવાશે નિર્ણય
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાને લઈને રાહતની વાત સામે આવી છે. નાણા મંત્રાલયની મંજૂરી બાદ હવે ડીએની ફાઇલ કેન્દ્રીય કેબિનેટ પાસે પહોંચી છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, કેબિનેટની બેઠકના એજન્ડામાં સમાવિષ્ટ ફાઇલને હવે ગમે ત્યારે મંજૂરી મળી શકે છે. બુધવારે મળનારી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મોંઘવારી ભથ્થાને મંજૂરી મળે તેવી શક્યતા છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને 4 ટકા મોંઘવારી ભથ્થું/મોંઘવારી રાહત મેળવવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.
સૂત્રોનું કહેવું છે કે, દિવાળી પહેલા કર્મચારીઓ અને પેન્શનરોને તેમના ઓક્ટોબરના પગારમાં ડીએ/ડીઆરના દરમાં વધારાની અસર જોવા મળશે. ગયા વર્ષે, કેન્દ્રીય કેબિનેટે 28 સપ્ટેમ્બરે ડીએ દરોમાં ચાર ટકા વધારાની જાહેરાત કરી હતી. ગયા વર્ષે 24મી ઓક્ટોબરે દિવાળી હોવાથી સરકારે સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં ડીએ/ડીઆરની જાહેરાત કરી હતી. આ વખતે દશેરા 24મી ઓક્ટોબરે છે અને દિવાળી 12મી નવેમ્બરે છે. આવી સ્થિતિમાં કેબિનેટની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી મળી શકે છે. લગભગ એક કરોડ કર્મચારીઓ અને પેન્શનરોને 1લી જુલાઈથી 4 ટકા ડીએ વધારાની ભેટ મળશે. તાજેતરમાં, નેશનલ કાઉન્સિલ (JCM) સ્ટાફ સાઇડ મીટિંગમાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. ઓલ ઈન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઈઝ ફેડરેશન (AIDEF)ના જનરલ સેક્રેટરી સી. શ્રીકુમારના જણાવ્યા અનુસાર, આ વખતે કર્મચારીઓનો DA 46 ટકા હશે. કેન્દ્ર સરકાર ડીએમાં ચાર ટકાનો વધારો કરશે.
જાન્યુઆરી 2024 માં, જ્યારે ડીએમાં ચાર ટકાનો (સંભવિત) વધારો થશે અને મોંઘવારી ભથ્થું 50% થશે, ત્યારે કેન્દ્ર સરકારે નવા પગાર પંચની જાહેરાત કરવી પડશે. કેન્દ્રીય કેબિનેટે ગયા વર્ષે 28 સપ્ટેમ્બરે ડીએ દરોમાં ચાર ટકા વધારાની જાહેરાત કરી હતી.