સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓને ચુકવાશે આર્થિક સહાય
અમદાવાદઃ ગુજરાતમાં વિદ્યાર્થીઓના શિક્ષણને લઈને સરકાર દ્વારા વિવિધ આયોજન કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન હવે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઓબીસી વર્ગના વિદ્યાર્થીઓને આર્થિક સહાય ચુકવવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યમાં ઓબીસી વર્ગના જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તેમને તાલીમ સહાય ચૂકવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વર્ગ 1, 2 અને 3 ની સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જાહેર સેવા આયોગ ઉપરાંત ગૌણ સેવા પસંદગી, પોલીસ ભરતી, પંચાયત સેવા પસંદગી અને કેન્દ્ર સરકારની બેંકિંગ, રેલવે, આર્મી, સહિતની પરીક્ષાઓ માટે સહાય ચૂકવાશે. વિદ્યાર્થી દીઠ 20 હજાર રૂપિયા અથવા ખરેખર ચૂકવવા થતી ફી પૈકી જે ઓછી હશે તે સીધી જ વિદ્યાર્થીના ખાતામાં જમા થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. જેમાં સરકારી સ્કૂલની સ્થિતિ તથા બેરોજગારીના મુદ્દે વિપક્ષ દ્વારા સરકારને ઘેરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.