ગણતંત્ર દિવસ પર ઝાંખીઓની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે,અહીં જાણો સંપૂર્ણ પ્રક્રિયા
- ગણતંત્ર દિવસ પર દેખાશે વિવિધ રાજ્યોની ઝાંખીઓ
- ઝાંખીઓની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે ?
- શું છે સંપૂર્ણ પ્રકિયા,અહીં જાણો
ગણતંત્ર દિવસ પર દેશની રાજધાની દિલ્હીમાં યોજાનાર સમારોહમાં પશ્ચિમ બંગાળ, કેરળ અને તમિલનાડુની ઝાંખી દેખાશે નહીં.પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આ અંગે વાંધો ઉઠાવ્યો છે. સરકાર દ્વારા પસંદ કરાયેલા ઝાંખીઓની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ અહેવાલ છે કે પરેડમાં 21 ઝાંખીઓ હશે.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર,આ વખતે ગણતંત્ર દિવસની થીમ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ રાખવામાં આવી છે, જે આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર નક્કી કરવામાં આવી છે.મમતા બેનર્જીના પત્ર અનુસાર, બંગાળની ઝાંખી નેતાજી સુભાષ ચંદ્ર બોઝની સ્મૃતિ અને તેમના દ્વારા રચાયેલી INAની 125મી જન્મજયંતિ પર તેમના યોગદાનને સમર્પિત કરવામાં આવી હતી.જો કે સૂત્રોનું કહેવું છે કે,ત્રણેય રાજ્યોની દરખાસ્તોને ‘સિલેકશન કમિટી’ દ્વારા યોગ્ય પ્રક્રિયા બાદ ફગાવી દેવામાં આવી છે.તેમણે કહ્યું કે,રાજ્યો અને કેન્દ્રીય મંત્રાલયોથી 56 દરખાસ્તો આવી હતી,જેમાંથી ફક્ત 21 ની પસંદગી કરવામાં આવી છે,જ્યારે 36 દરખાસ્તો ફગાવી દેવામાં આવી છે.
ગણતંત્ર દિવસની પરેડમાં ઝાંખીઓ સામેલ કરવાની એક નિશ્ચિત પ્રક્રિયા હોય છે. માપદંડોનું પાલન ન કરવા બદલ ઝાંખીઓને નકારવામાં આવી શકે છે.અહેવાલ મુજબ, આ પ્રક્રિયા સાથે સંકળાયેલા સંરક્ષણ મંત્રાલયના અધિકારીનું કહેવું છે કે, ઝાંખીની પસંદગી નિષ્ણાત સમિતિ દ્વારા કરવામાં આવે છે અને આ પ્રક્રિયામાં કોઈ રાજકીય ભાગીદારી રહેતી નથી.
ગણતંત્ર દિવસની પરેડની સમગ્ર જવાબદારી રક્ષા મંત્રાલયની છે, જે આ કાર્યક્રમની સુરક્ષા, પરેડ, ઝાંખી વગેરેની વ્યવસ્થાઓનું ધ્યાન રાખે છે.સંસદ ટીવીમાં કામ કરતા સિદ્ધાર્થ ઝા નું કહેવું છે કે,આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ દેશના રાષ્ટ્રપતિ છે એટલા માટે રક્ષા મંત્રાલય આયોજનની તમામ જવાબદારી તેની પાસે રાખે છે
ગણતંત્ર દિવસની પરેડમાં ઝાંખીઓના પ્રદર્શન માટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો, કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગો પાસેથી સૂચનો માંગવામાં આવ્યા છે. આ પછી, પસંદગી સમિતિ ચોક્કસ પસંદગી પ્રક્રિયા હેઠળ અંતિમ યાદી તૈયાર કરે છે. આ વર્ષે, ગણતંત્ર દિવસની ઝાંખી ભારતની આઝાદીના 75 વર્ષની થીમ હેઠળ પાંચ વિષયો પર ઝાંખીઓની દરખાસ્તો માંગવામાં આવી હતી.
નિષ્ણાતોની પસંદગી સમિતિ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો, મંત્રાલયો અને વિભાગો તરફથી આવતા સૂચનોના આધારે ચર્ચા કરે છે. બેઠકોના ઘણા રાઉન્ડ પછી સમિતિ ઝાંખી પસંદ કરે છે. આ નિષ્ણાત સમિતિમાં સંસ્કૃતિ, ચિત્ર, સંગીત, કૃષિ, કોરિયોગ્રાફી, કલા, સાહિત્ય વગેરે ક્ષેત્રોના નિષ્ણાતોનો સમાવેશ થાય છે. સમિતિના સભ્યો થીમ અને ધોરણો અનુસાર ઘણા ખૂણાઓથી તેની સમીક્ષા કરે છે, ત્યારબાદ ઝાંખીઓની સૂચિને અંતિમ સ્વરૂપ આપવામાં આવે છે.