ડહાપણના દાંત કઢાવવા જોઈએ કે નહીં,જાણો તેને લઈને લોકો શું કહે છે
દરેક છોકરો-છોકરી જ્યારે 15-17 વર્ષની આસપાસ ઉંમર થાય ત્યારે તેમને ડહાપણના દાઢ આવે અથવા એવું પણ કહેવાય કે ડહાપણના દાંત આવે, આ સમયમાં બાળકોને કેટલીક તકલીફ થાય પરંતુ તેનો ઈલાજ પણ કરી શકાય છે.
આ બાબતે કેટલાક ડોક્ટર એવી સલાહ આપતા હોય છે કે આ દાંતને કઢાવી નાખવા જોઈએ તો કેટલાક ડોક્ટર ન કઢાવવાની સલાહ આપતા હોય છે. આવામાં જાણકારોનો અભિપ્રાય એવો છે કે જો પીડાનું પ્રમાણ અસહ્ય હોય અથવા આસપાસના દાંત અને પેઢાને નુકસાન થતું હોય તો તેને દૂર કરવાની જરૂર પડશે. જો ડહાપણના દાંત અન્ય દાંતના વિકાસમાં અવરોધરૂપ હોય અથવા દાંતની અન્ય પ્રક્રિયાઓ અથવા સારવારમાં અવરોધ ઊભો કરતા હોય તો ડહાપણના દાંતને દૂર કરવું મહત્વપૂર્ણ રહેશે.
ડહાપણના દાંતને દૂર કરવાનું પસંદ કરો તો ચેપ, રક્તસ્રાવ અને અન્ય સર્જિકલ જટિલતાઓનું જોખમ સૌથી મોટું નુકસાન છે. દાંત કાઢવાની પ્રક્રિયામાં તેને કાઢવામાં આવે તે પહેલાં મોંને સુન્ન કરવા માટે એનેસ્થેસિયાનો ઉપયોગ કરવામાં આવે છે. તેથી, દાઢ દૂર કરાવતા પહેલા, એનેસ્થેસિયા પ્રત્યેની કોઈપણ પ્રકારની સંવેદનશીલતા અથવા એલર્જી વિશે જણાવવું મહત્વપૂર્ણ છે. ડહાપણના દાંત કાઢ્યા પછી એક અઠવાડિયાથી એક મહિના સુધી ડ્રાય સોકેટ પણ થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે કેટલાક લોકો એવું પણ માને છે કે ડહાપણના દાંતને અને બુદ્ધિને લેવાદેવા છે પરંતુ તે વાત ખોટી છે, કારણ કે જાણકારોના મતઅનુસાર આ દાંતનો કોઈની બુદ્ધિ સાથે કોઈ સંબંધ નથી. આ દાંતનો ઉપયોગ સખત ખોરાકને તોડવા માટે થાય છે જેને ખૂબ ચાવવાની જરૂર પડે છે. આ દાંતને ડહાપણના દાંતનું નામ મળ્યું કારણ કે તેઓ પુખ્તાવસ્થા દરમિયાન છેલ્લે બહાર આવે છે. જો કે, વ્યક્તિ તરીકેની બૌદ્ધિક ક્ષમતા પર તેનો કોઈ પ્રભાવ નથી.