ભૂજઃ કચ્છડો બારે માસ, છેલ્લા બે દાયકોથી કચ્છનો સારોએવો વિકાસ થયો છે. માત્ર શહેરો જ નહીં પણ ગાંમડાઓએ પણ વિકાસની હરણફાળ ભરી છે. ગામડું એટલે જૂના-નાના મકાન-મોટા ફળિયા, અસુવિધાઓનો ભંડાર, શહેરો પર નિર્ભરતા એવું બધું દેખાય કે આભાસ થાય, પણ કચ્છની ઉત્તરીય સરહદ પર સૌથી છેલ્લું ગામ ધોરડો વીતેલા માત્ર 15થી 18 વર્ષમાં એવું તો વિકસ્યું કે વાત જ ન પૂછો, એક-બે-ત્રણ નહીં પણ આ ગામમાં સાત-સાત હેલિપેડ છે, અને બેથી ત્રણ દિવસ એવા પણ આવી ગયા કે એ સાતેસાત હેલિપેડ પર હેલિકોપ્ટરના ચક્કર ફરતા હતા અને જગ્યા ન મળવાથી બે હેલિકોપ્ટર હવામાં ચક્કર મારતા હતા. ટુ વ્હીલર કે ફોર વ્હીલરની વાત નથી હો, હેલિકોપ્ટરની વાત છે. હેલિકોપ્ટર પાર્કિંગ માટે જગ્યા નહોતી જ્યારે દેશના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન, ગૃહમંત્રી પોતાની પૂરેપૂરી ટીમ સાથે ધોરડો આવ્યા ત્યારે…દેશના લાખો ગામડાઓમાં આ ધોરડો અલગ છે,
સૂત્રોના જણાવ્યા મુજબ દેશમાં છ લાખ સરપંચ છે, પણ એકમાત્ર ધોરડોના સરપંચ મિયાંહુસેન ગુલબેગ નામ એવું છે કે, જે રાષ્ટ્રપતિ-વડાપ્રધાન-કેન્દ્ર સરકારથી લઈને લગભગ રાજ્ય સરકારના મુખ્યમંત્રીઓ-સનદી અધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને લગભગ તમામે તમામ ગુપ્તચર એજન્સીઓમાં જાણીતું છે જ્યારે દેશના ભાગલા થતા હતા ત્યારે આ મિયાંહુસેનના પિતા મોરાણા ગુલબેગદાદાએ બન્નીમાં જ રહેવાનો નિર્ણય કર્યો અને આખી બન્નીમાં રાત-દિવસ ફરીને સંદેશ આપ્યો, ગુલબેગ પરિવારની વતનપરસ્તીની એક આખી અનોખી દાસ્તાં છે. રાજાશાહી વખતે કચ્છરાજે આ પરિવારના અબ્દુલ કરીમ નામના પૂર્વજને `વડા જમાદાર’ બનાવી હાજીપીર થાણામાં બેસાડયા હતા. સિંધથી આવતા ચોર-ધાડપાડુ સામે કચ્છના રક્ષણની જવાબદારી એમની હતી.
ધોરડો ગામના વર્તમાન સરપંચ મિયાંહુસેન ગુલબેગ એ પરિવારની આઠમી પેઢીએ છે, એ ખુદ તથા ગામના વૃદ્ધજનો સાથે વાત કરતાં સૌ ભૂતકાળમાં સરી જઈને જે સ્મૃતિપટલ પર લાવે છે એ વાતો ખુદ એક ઈતિહાસ છે, આ ધોરડોમાં આજે પ્રવાસનસૂર્ય સોળે કળાએ ખીલ્યો છે, પણ ગામનો પુરષ વર્ગ ખાનગી કંપનીમાંથી રોજીરોટી મેળવે છે. ઘાસપ્લોટ, વરસાદી જળસંગ્રહ, પાણીનો કરકસરયુક્ત ઉપયોગ, શિક્ષણ… બધા ક્ષેત્રે ધોરડો અગ્રેસર છે. દાદાગુલબેગના નામે દોડતી એમ્બ્યુલન્સ કોરોનાકાળમાં ભુજ-અમદાવાદ વચ્ચે મફત દોડી છે. સરપંચ આ સેવાનો નવો પૈસો લેતા નથી.’