વિશ્વના સૌથી મોટા દાનવીર જમશેદજી ટાટાનું મ્યુઝિયમ ગુજરાતમાં ક્યાં આવેલું છે, જાણો
નવસારીઃ વિશ્વના દાનવીરોમાં પણ ગુજરાતનું નામ મોખરે છે. તાજેતરમાં હુરુન રિસર્ચ અને એડેલગીવ ફાઉન્ડેશને દુનિયામાં કરાયેલા દાન ઉપર વિસ્તૃત રિસર્ચ કર્યું હતું. આ રિસર્ચ બાદ છેલ્લી સદીના મોટા દાનવીરોની નામાવલિ જાહેર કરી હતી. જેમાં દુનિયાના સૌથી મોટા દાનવીર તરીકે ગુજરાતના નવસારીમાં જન્મેલા ટાટા જૂથના સ્થાપક જમશેદજી ટાટાને જાહેર કરાયા હતા.જેમણે 7.60 લાખ કરોડ રૂપિયાનું દાન કર્યું હતું.
જમશેદજી ટાટાનો જન્મ નવસારીમાં 3 માર્ચ 1839ના રોજ થયો હતો અને મૃત્યુ જર્મનીમાં 19 મે 1904માં થયું હતું. જમશેદજીએ 13 વર્ષ નવસારીમાં રહીં અહીં જ બાળપણ વિતાવ્યું હતું. બાદમાં મુંબઈ ગયા હતા. બાદમાં ટાટા જૂથની સ્થાપના કરી હતી. જે ઘરમાં જમશેદજીનો જન્મ થયો હતો એ નવસારીના તેમના જન્મસ્થળના ઘરને ‘મ્યુઝિયમ’ આજથી 7 વર્ષ અગાઉ બનાવાયું હતું અને તે જે.એન.ટાટા બર્થ પ્લેસ ટ્રસ્ટ હેઠળ છે. આ જન્મસ્થળ મ્યુઝિયમમાં તેમના જન્મનો ઓરડો, ટાટા જૂથનો ઈતિહાસ, ટાટા પરિવારની નામાવલિ, ફોટાઓ, જૂના વાસણ પણ રાખવામાં આવ્યાં છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, આ ભારતીય ઉદ્યોગના ભિષ્મ પિતામહ અને દુનિયાના સૌથી મોટા દાનવીરના જન્મસ્થળના મ્યુઝિયમની મોટાભાગનાને ખબર જ નથી. નવસારીમાં મીઠા સત્યાગ્રહ (દાંડીકૂચવાળુ) દાંડી પણ છે અને ત્યાં નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરીયલ જોવા વર્ષે લાખો લોકો આવે છે પરંતુ આ ટાટાના જન્મસ્થળ મ્યુઝિયમને જોવા દરરોજ એક જ વ્યક્તિ સરેરાશ વિઝીટ લે છે. આ જન્મસ્થળ મ્યુઝિયમ અજાણ હોવાનું મુખ્ય કારણ તેની માહિતી લોકોને નથી.
જમશેદજી ટાટાનું બર્થપ્લેસ મ્યુઝિયમ પણ નવસારીમાં છે. હવે જ્યારે દુનિયાના સૌથી મોટા દાનવીર જમશેદજી જાહેર થયા છે ત્યારે સરકારી તંત્ર આ બાબતે આગળ આવશે કે કેમ તે જોવાનું રહ્યું છે. મુંબઈમાં આવેલી તાજમહાલ હોટેલ વિશ્વની હેરીટેજ હોટેલોમાં સ્થાન પામી છે. આ તાજ હોટેલનું નિર્માણ પણ જમશેદજી ટાટાએ કર્યું હતું અને તેની પાછળ તેમનું કરાયેલું અપમાન છે. એક હોટેલમાં જમશેદજી ગયા ત્યારે એક ઘમંડી ઈંગ્લીશમેને તેમનું અપમાન કરી કહ્યું હતું કે, અહીં તમે ઈન્ડિયન્સોને આવવા દેતા નથી’ બસ તેજ ક્ષણે જમશેદજીએ પ્રણ લીધો કે હું ભારતમાં વિશ્વસ્તરની હોટેલ બનાવીશ અને તાજ હોટેલનું 1903માં નિર્માણ કર્યું હતું.