કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્યોએ કેમ રાત્રિ રોકાણ વિધાનસભા સંકુલમાં કર્યું જાણો…
બેંગ્લોરઃ કર્ણાટકના ગ્રામીણ વિકાસ અને પંચાયત રાજ મંત્રી કેએસ ઈશ્વરપ્પાએ તિરંગાને લઈને કરેલા નિવેદનથી વિવાદ ઉભો થયો છે. ઈશ્વરપ્પાને સસ્પેન્ડ કરવા અને રાષ્ટ્રધ્વજ મુદ્દે નિવેદન માટે રાજદ્રોહનો કેસ દાખલ કરવાની માંગણી સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાં જ રાત્રિ રોકાણ કર્યું હતું. ઈશ્વરપ્પાએ તાજેતરમાં દાવો કર્યો હતો કે, ભગવો ધ્વજ ભવિષ્યમાં રાષ્ટ્રીય ધ્વજ બની શકે છે. જે બાદ કોંગ્રેસના ધારાસભ્યો તેમની સામે પ્રદર્શન કરી રહ્યાં છે.
કર્ણાટક વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ રાત્રિ રોકાણ કર્યું તેનો વિડીયો સામે આવ્યો છે. જેમાં કેટલાક ધારાસભ્યો ગોદડુ અને તકિયાની વ્યવસ્થા કરતા નજરે પડ્યાં હતા. તેમજ કેટલાક ધારાસભ્યો વિધાનસભા સંકુલની લોબીમાં ગોદડા પાથરીને સુઈ ગયા હતા. રાજ્ય મંત્રી કેએસ ઈશ્વરપ્પાના રાજીનામાની માંગણી કોંગ્રેસના ધારાસભ્યો કરી રહ્યાં છે.
વિપક્ષના ધારાસભ્યોએ ગુરુવારે હંગામો મચાવતા વિધાનસભાની કાર્યવાહી મુલત્વી રાખવામાં આવી હતી. ત્યાર બાદ કોંગ્રેસના ધારાસભ્યો વિધાનસભા સંકુલમાં જ રોકાઈ ગયા હતા. મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ, વિધાનસભાના અધ્યક્ષ વિશ્વેશ્વર ગેહડે કાગેરી અને પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ બાદમાં વિધાનસભા પરિસરમાં કોંગ્રેસના નેતા સુદ્ધારમૈયા સાથે વાતચીત કરી હતી. જો કે, આ વાતચીતમાં કોઈ ઉકેલ આવ્યો ન હતો.
બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે, અમે લગભગ બે કલાક સુધી વિપક્ષના નેતાઓ સાથે ચર્ચા કરી હતી. અમે તેમને કહ્યું કે અહીં વિધાનસભામાં રાત્રિ રોકાણ ના કરે, પરંતુ તેમણે પહેલાથી જ નિર્ણય લઈ લીધો હતો. સ્પીકરે પણ તેમને સમજાવવાના પ્રયાસ કર્યાં હતા. અમે અમારી તરફથી તમામ પ્રયાસો કર્યા હતા પરંતુ તેઓ માન્યા ન હતા. દરમિયાન ઈશ્વરપ્પાએ રાજીનામુ આપવાનો ઈન્કાર કર્યો હતો.