અમદાવાદઃ શહેરના નરોડા વિસ્તારમાં આવેલા સ્મશાન પાસેના એક કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગતા ફાયરબ્રિગેડનો કાફલો દાડી આવ્યો હતો. કોમ્પ્લેક્સમાં કોરોનાની વેદાંત મલ્ટીસ્પેશિયલ્ટી હોસ્પિટલ પણ આવેલી છે, જેના લીધે દાડધામ મચી ગઈ હતી.. હાલ આગ કાબુમાં આવી ગઈ છે, કોઈ જાનહાનિ થઈ નથી. હોસ્પિટલના તમામ દર્દીઓને રેસ્ક્યુ કરી નીચે ઉતારી SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતા.આ બનાવને પગલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ડો. ઓમપ્રકાશ મછરા પણ નરોડા ખાતે દોડી ગયા હતા અને તમામ દર્દીઓને સહી સલામત SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવે તેની કાર્યવાહી કરાવી હતી.
સુત્રોના જણાવ્યા અનુસાર શહેરના નરોડા વિસ્તારમાં સ્મશાન પાસે આવેલા કેપિટલ કોમ્પલેક્સમાં IDBI બેક વિભાગ તરફના ભાગે આગ લાગી હતી. આ કોમ્પ્લેક્સમાં વેદાંત મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ હતી જેથી તકેદારીના ભાગ રૂપે 5 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. કોમ્પ્લેક્સમાં આગ લાગતા લાઈટો બંધ કરવાની ફરજ પડી હતી. લાઈટ બંધ હોવાને કારણે હોસ્પિટલમાં રહેલા કોરોનાના કુલ 12 દર્દીઓને SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નહતી.
આગ શોક સર્કિટને કારણે લાગી હોવાનો પ્રાથમિક અંદાજ છે. હાલ આગ કેમ લાગી તેની તપાસ કરવામાં આવી રહી છે. રાજ્યમાં કોવિડ હોસ્પિટલમાં આગના બનાવો બની રહ્યા છે. અગાઉ ભરૂચ અને ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં આકસ્મિક આગનો બનાવ બન્યો હતો. જોકે નરોડામાં હોસ્પિટલમાં આગ નહોતી લાગી પણ હોસ્પિટલ જે કોમ્લેક્સમાં આવેલી છે તે કોમ્લેક્સમાં આગ લાગી હતી. પણ એટલે ફાયરબ્રીગેડના જવાનોએ દાડી આવીને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લઈ લીધી હતી. અને વેદાંત હોસ્પિટલના દર્દીઓને એસવીપી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા.