ભાવનગરઃ ગુજરાતમાં વધુ એક કોવિડ હોસ્પિટલમાં આકસ્મિક આગનો બનાવ બન્યો હતો. ભાવનગર શહેરની હોટલમાં ચાલતા કોવિડ વોર્ડમાં મોડી રાત્રે આગ લાગવાનો બનાવ બન્યો હતો. જનરેશન એક્સ હોટલમાં ચાલતા સમર્પણ કોવિડ કેરમાં આગ ફાટી નીકળી હતી. એકાએક આગ લાગતાં કોરોનાની સારવાર લઈ રહેલા 18 દર્દીઓને રેસ્ક્યૂ કરાયા હતા. તમામ દર્દીઓનું રેસ્ક્યુ કરી અન્ય કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. કોવિડ કેરમાં લાગેલી આગમાં સદનસીબે જાનહાનિ ન થતા તંત્રએ રાહત અનુભવી હતી..
ભાવનગરમાં કાળુભા રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલમાં આગનો બનાવ બન્યો હતો. સગભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાની ન થતા તંત્રે રાહત અનુભવી હતી. ભાનગરના શહેરના કાળુભા રોડ ઉપર આવેલી હોટલ જનરેશન એક્સના રૂમ નંબર 304માં ટીવીના યુનિટમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. જેમાં હોટેલ જનરેશન એક્સ ફાયર સ્મોક ડિટેક્ટિવ અલાર્મ શરૂ હોવાથી નીચે સ્ટાફને જાણ થતાં તાત્કાલિક ફાયર વિભાગને સંપર્ક કરવામાં આવ્યો હતો.
જ્યારે બીજી બાજુ દર્દીઓને તાત્કાલિક ત્યાંથી અન્ય હોસ્પિટલમાં ખસેડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા આસપાસના લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને દર્દીઓને બહાર કાઢવામાં મદદ કરી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જ્યારે 18 દર્દીઓનો બચાવ થયો હતો.આ આગ લાગ્યાની જાણ થતાં જ કોરોનાના દર્દીઓના સગા વ્હાલાઓને ભારે મોટી ભીડ ઘટનાસ્થળે એકત્ર થઈ ગઈ હતી.
ગાંધીનગરથી પ્રધાન વિભાવરીબેન દવે એ આ અંગે પૂછપરછ કરી હતી. જ્યારે ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીએ આ સમગ્ર ઘટનાની તપાસ થશે અને કસુરવાર સામે પગલા લેવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ કોવિડ સેન્ટરમાં મંજૂરી કરતા વધારે દર્દીઓને રાખ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.