વડોદરામાં નંદેસરીમાં આવેલી કેમિકલની ફેકટરીમાં લાગી ભીષણ આગ, 8 ઘવાયા, 700 લોકોનું સ્થળાંતર
વડોદરાઃ શહેરના નંદેસરી વિસ્તારમાં આવેલી દિપક નાઇટ્રેટ નામની કેમિકલની ફેકટરીમાં બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. જેને પગલે કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો. અને આગ પર કાબૂ મેળવવા ભારે જહેમત ઉઠાવી હતી. આગના ધૂમાડાના ગોટેગોટા હાઇવે પરથી દૂર દૂર સુધી દેખાઇ રહ્યા હતા.આગની ઘટનામાં 8 ને ઈજાઓ થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી 3ને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. કેમિકલની ફેકટરીમાં પ્રચંડ આગ સાથે સમયાંતરે બ્લાસ્ટ પણ થતા હોવાથી દામાપુરા અને રઢીયાપુરા ગામના 700 લોકોને સાવચેતીના ભાગરૂપે સલામત સ્થળે ખસેડાયા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરાના નંદેસરી વિસ્તારમાં આવેલી દિપક નાઈટ્રેટ નામની કેમિકલની ફેકટરીમાં આગ લાગ્યાનો કાલ મળતા વડોદરા ફાયરબ્રિગેડનો કાફલો દોડી ગયો હતો. અને આગનું વિકરાળ રૂપ જોઈને ફાયરબ્રિગેડ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો. મોડીરાત સુધી આગ કાબૂમાં આવી નહોતી. અને ધડાકા સાથે આગની જ્વાળાઓ નીકળી રહી હતી.. કંપની બહાર એમ્બ્યુલન્સ તૈયાર રાખવામાં આવી હતી. સયાજી હોસ્પિટલની બહાર સ્ટ્રેચર પણ તૈયાર રાખવામાં આવ્યા હતા અને ડોક્ટરો સહિત 25 લોકોની ટીમ તૈનાત કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત સયાજી હોસ્પિટલની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા હતો. વડોદરા જિલ્લા કલેક્ટર અતુલ ગોર અને વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, સયાજીગંજના ધારાસભ્ય જીતુ સુખડિયા અને વડોદરા મ્યુનિ.કોર્પોરેશનના સ્થાયી સમિતિના ચેરમેન હિતેન્દ્ર પટેલ ઘટના સ્થળે દોડી ગયા હતા.
વડોદરા ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, દિપક કેમિકલમાં લાગેલી આગ 40 ટકા જેટલી આગ કાબૂમાં આવી ગઈ છે. વડોદરાના તમામ ફાયર સ્ટેશનોનો સ્ટાફને કામે લગાવવામાં આવ્યો છે. તમામ ફાયર ઓફિસરો કામે લાગેલા છે. ફાયર બ્રિગેડની 8 ટેન્કર દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. દરમિયાન દિપક નાઈટ્રેટ કંપની દ્વારા જાહેર કરાયેલા સ્ટેટમેન્ટમાં જણાવ્યું છે કે, અમે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. અમારા તમામ કર્મચારીઓની અને આસપાસના લોકોની સલામતી અને સુખાકારી અમારા માટે સૌથી અગ્રતા છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, વડોદરા શહેર નજીક આવેલી નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં દિપક નાઇટ્રેટ કંપનીમાં કામગીરી દરમિયાન પ્લાન્ટનું બોઇલર બ્લાસ્ટ થતાં એક પછી એક એવા 8 જેટલા ધડાકા થયા હતા અને આ ધડાકાના અવાજ આજુબાજુના 10થી 15 કિમીના વિસ્તારમાં સાંભળવા મળતા લોકોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. ભારે ધડાકા સાથે લાગેલી ભીષણ આગના ગોટેગોટા દૂર સુધી દેખાતા હતા. આ બનાવની જાણ પ્રાથમિક રીતે ફ્રી ફાયર બ્રિગેડને થતાં તેઓએ ઘટનાસ્થળે પહોંચી જઈ બચાવ કામગીરી શરૂ કરી હતી, પરંતુ, આ ભીષણ આગે વધુ રુદ્ર સ્વરૂપ ધારણ કરતાં આગ કાબુમાં આવે તેવી શક્યતા નહીં લાગતા વડોદરા ફાયરબ્રિગેડ તેમજ આસપાસના ઉદ્યોગોના ફાયર ફાઇટરોની મદદ લેવામાં આવી હતી. અને એક સાથે 15થી 20 જેટલા ફાયર ફાઈટરો આગ બુઝાવવાના કામે લગાડવામાં આવ્યા હતા. જોકે, મોડીરાત સુધી આગ કાબૂમાં આવી નહતી.