- મધરાતે આગ લાગ્યાનો કોલ મળતા ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો,
- ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો,
- વીજળી પુરવઠો બંધ કરાયો
વડોદરાઃ શહેરના સિંધવાઈ માતા રોડ પ્રતાપનગરમાં આવેલા ટીવીએસ ઓટોના શોરૂમાં ગઈ મોડી આગ ફાટી નિકળી હતી, આજુબાજુના લોકોએ આગ લાગ્યાની જાણ ફાયરબ્રિગેડને કરતા 10 ગાડીઓ સાથે ફાયરનો કાફલો દોડી આવ્યો હતો. દરમિયાન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ત્રણ કલાક સુધી ભારે જહેમત ઉઠાવીને આગને કાબુમાં લીધી હતી. શોર્ટ સર્કિટથી આગ લાગ્યનું પ્રાથમિક અનુમાન કરવામાં આવી રહ્યું છે. આગને કારણે 250 ટુ-વ્હીલર્સ બળીને ખાક થયા હતા.
આ બનાવની એવી વિગતો જાણવા મળી છે કે, વડોદરા શહેરના સિંધવાઇ માતા રોડ પ્રતાપનગરમાં આવેલા ટીવીએસ શોરૂમમાં મધરાતે આગ લાગી હોવાનો કોલ મળ્યા હતો. આ બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની 10 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર વિભાગના જવાનોએ ત્રણ કલાકથી વધુની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ અંગે શો-રૂમના માલિક ઉજ્જ્વલ તલાટીએ જણાવ્યું હતું કે, અમારા શો-રૂમમાં 125 જેટલાં નવા ટુ-વ્હીલર અને સર્વિસમાં આવેલાં લોકોનાં 125 ટુ-વ્હીલર એમ 250 જેટલાં ટુ-વ્હીલર બળીને ખાક થઈ ગયાં છે. બધાં ટુ-વ્હીલર થઈને દોઢ કરોડનું નુકસાન થયું છે જ્યારે સ્પેરપાર્ટ બળી ગયા એ ગણીએ તો અમારે કુલ 2 કરોડ જેવું નુકસાન થયું છે.
ફાયર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરના પ્રતાપનગર-માંજલપુર તરફ જતા રોડ પર આવેલા ટીવીએસ શોરૂમમાં અચાનક મોડીરાત્રે આગનો બનાવ બન્યો હતો. આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર એન્ડ ઇમર્જન્સી વિભાગની વિવિધ ફાયર સ્ટેશનની 10 જેટલી ગાડીઓ બોલાવવાની ફરજ પડી હતી અને ત્રણ કલાકથી વધુ સમયની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા શોરૂમમાં રહેલી બાઈક, સ્કૂટર અને બેટરીવાળા ટુ-વ્હીલર વાહનો બળીને ખાક થઈ ગયા હતા.
સમગ્ર ઘટના અંગે તાત્કાલિક પોલીસ વિભાગ, વીજ પુરવઠા વિભાગ અને ફાયરની ટીમો પહોંચી કામગીરી હાથ ધરી હતી. જેમાં મકરપુરા પોલીસ સ્ટેશન અને લાલબાગ જીઇબી સ્ટાફ પહોંચી તાત્કાલિક વીજ પુરવઠો બંધ કર્યો હતો. આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી,
ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે પોલીસ વિભાગના એસીપી પ્રણવ કટારિયા પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આગના બનાવને લઈ આસપાસના વિસ્તારમાં અડધીરાત્રે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આ સાથે એક ગણેશજીના પંડાલમાં પણ દીવાના કારણે આગ લાગી હોવાની વિગતો સામે આવી છે. જો કે, તેમાં કોઈ મોટું નુકસાન થયું નથી.