Site icon Revoi.in

વડોદરાના સુભાનપુરામાં ટ્યૂશન ક્લાસમાં આગ લાગતા નાસભાગ મચી, તમામ વિદ્યાર્થીઓનો બચાવ

Social Share

વડોદરા: શહેરના  સુભાનપુરા વિસ્તારમાં  હાઈટેન્શન ચાર રસ્તા પાસે આવેલા એક ટ્યૂશન ક્લાસમાં આગ લાગતા અફડા-તફડી મચી ગઈ હતી. હાઈટેન્શન ક્રોસ રોડ પરના  ચાણક્યપુરી કોમ્પલેક્સના ત્રીજા માળે આગ લાગી હતી. આગ લાગી ત્યારે બાજુમાં જ ટ્યૂશન ક્લાસ ચાલતો હતો. આગને પગલે વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. ટ્યૂશન ક્લાસમાં ફાયર સેફ્ટી હતી કે નહીં તે મોટો સવાલ છે. જ્યારે ACમાં શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન છે.

સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં હાઇટેન્શન ચાર રસ્તા વિસ્તારમાં ટ્યૂશન ક્લાસમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગતાં ધૂમાડાં નીકળતાં દોડધામ મચી ગઈ હતી.  જ્યાં આગ લાગી તેની બાજુમાં જ ટ્યૂશન ક્લાસ ચાલી રહ્યો હતો. આ ઘટના અંગે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયરની ટીમ તાત્કાલિક દોડી આવી હતી. ઘટનાને પગલે તમામ વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ ફાયરની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. ટ્યૂશન ક્લાસમાં ફાયર સેફ્ટી હતી કે નહીં? તે મામલે પણ સવાલ ઊભા થઇ રહ્યા છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, જે કોમ્પ્લેક્સના  ક્લાસરૂમમાં  આગ લાગી હતી કે તે ક્લાસરૂમ  છેલ્લા છ મહિનાથી બંધ હોવાનું સામે આવ્યું છે. જે તે કારણસર આ ટ્યૂશન ક્લાસ છ મહિનાથી બંધ હતો. ગરમીને કારણે એસીમાં શોર્ટસર્કિટ થયું હોવાનું પ્રથામિક અનુમાન છે. જ્યારે આ ક્લાસની બાજુમાં જ ટ્યૂશન ક્લાસ ચાલી રહ્યો હતો. જ્યાં ભણી રહેલા વિદ્યાર્થીઓએ જોયું કે, બાજુમાં આવેલા બંધ ક્લાસમાંથી ધુમાડા નીકળી રહ્યા છે. જે બાદ તમામ વિદ્યાર્થીઓ કોમ્પ્લેક્ષમાંથી નીચે ઉતરી ગયા હતા અને ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. હાલ ફાયરની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. (પ્રતિકાત્મક તસવીર)