અમદાવાદઃ ગુજરાતમાં ફાયરસેફ્ટી મુદ્દો વિધાનસભા ગૃહમાં ગુંજ્યો હતો. દરમિયાન આજે સુરતમાં કોર્પોરેશનના ફાયરબ્રિગેડ દ્વારા ફાયરના નિયમોનું ઉલ્લંઘન કરનાર એકમો અને સંસ્થાઓ સામે લાલઆંખ કરી હતી. દરમિયાન સુરતમાં ફાયર સેફ્ટીના અભાવે હોસ્પિટલ, દુકાનો મળીને 32થી વધારે મિલકતો સીલ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનાં ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટીના સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન કેટલીક હોસ્પિટલો, કોમ્પ્લેક્સ અને દુકાનોમાં ફાયર સેફ્ટીના સાધનોની અછત જોવા મળી હતી. જેથી ફાયર વિભાગ દ્વારા નોટીસો આપવામાં આવી હતી, જેનો આજ સુધી અમલ કરવામાં આવ્યો નહીં હોવાનું સામે આવ્યું હતું. જેના પરિણામે 32 થી વધુ હોસ્પિટલો, કોમ્પ્લેક્ષ અને કેટલીય દુકાનોને સીલ મારવાની કામગીરીની શરુઆત કરવામાં આવી હતી.
સુરતના લીંબાયત, ડીંડોલી, કતારગામ, ભટાર, રાંદેર સહિતના વિસ્તારોમાં ફાયરની સુવિધા હજી સુધી શરુ કરવામાં ના આવતા સુરત કોર્પોરેશન દ્વારા તેવી હોસ્પિટલો, કોમ્પ્લેક્સ અને દુકાનોને સીલ કરતા ફાયર સુવિધા ઉભી નહીં કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.