અમદાવાદના પાલડી વિસ્તારમાં ફ્લેટની સીડીને ભાગ ધરાશાયી થતાં ફાયર બ્રિગેડે 16 લોકોનું રેસ્ક્યુ કર્યું
અમદાવાદઃ શહેરમાં વરસાદી માહોલ વચ્ચે પાલડી વિસ્તારમાં મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે આવેલા બે માળિયા વર્ધમાન ફ્લેટની સીડી ધટાકા સાથે તૂટી પડતા 16 જેટલા લોકો ફસાયા હતા. આથી ફાયર બ્રિગેડની મદદ માગવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ત્વરિત દોડી જઈને હાઈડ્રોલિક સીડીની મદદથી 16 જેટલા લોકોનું રેસ્ક્યું કર્યું હતુ.
ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના પાલડી વિસ્તારમાં મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે આવેલા વર્ધમાન ફ્લેટની સીડીનો ભાગ તૂટી પડ્યાનો કોલ મળતા ફાયરના જવાનો મદદ માટે દોડી ગયા હતા. અને ફ્લેટ્સમાં ફસાયેલા 16 જેટલા લોકોને હાઇડ્રોલિક પ્લેટફોર્મ વડે સહી સલામત નીચે ઉતારવામાં આવ્યા હતા. ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. વર્ધમાન ફ્લેટ્સ વર્ષો જૂના છે. અને સીડી તૂટી પડતા લોકો ફસાયા હતા.
વર્ધમાન ફ્લેટના રહિશોના કહેવા મુજબ રાતના સાડા દશ વાગ્યે વરસાદને લીધે બે માળના વર્ધમાન ફ્લેટની સીડીનો ભાગ અચાનક જ તૂટ્યો હતો. જોરદાર અવાજ આવતાની સાથે જ સ્થાનિક લોકો બહાર નીકળ્યા હતા. જ્યારે તેઓએ જોયું તો સીડીનો ભાગ તૂટી ગયો હતો. જેથી તેઓને નીચે ઉતરવા રસ્તો નહોતો. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા જમાલપુર ફાયર સ્ટેશનની ટીમ દોડી આવી હતી. ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમ દ્વારા આ બે માળના 10થી વધુ મકાનોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. હાઇડ્રોલિક પ્લેટફોર્મ (સીડી) વડે ફ્લેટમાં ફસાયેલા લોકોને બારી અને બારણા બંનેમાંથી ધીમે ધીમે નીચે ઉતારવામાં આવ્યા હતા. કુલ 16 જેટલા લોકોને ફાયર બ્રિગેડની ટીમે ધીરે ધીરે સીડી વડે નીચે ઉતાર્યા હતા. આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતા એલિસબ્રિજના ધારાસભ્ય અને શહેર પ્રમુખ અમિત શાહ અને પાલડી વોર્ડના કોર્પોરેટરો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.