અમદાવાદઃ શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલી એક બહુમાળી ઈમારતમાં આગની ઘટના બન્યા બાદ હવે મ્યુનિ.ના ફાયર વિભાગે શહેરમાં ફાયર એનઓસી વિનાની બિલ્ડિંગોને નોટિસો ફટકારવાની શરૂ કરી છે. છેલ્લા છ મહિનાથી એક પણ ફાયર એનઓસી અંગેની જાણકારી ન આપનારા ફાયર બ્રિગેડ તંત્રએ એકાએક હવે એક ફાયર એનઓસી ન લીધેલા રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બિલ્ડિંગને નોટિસ પાઠવી અને તેઓના પાણી અને ગટરના કનેક્શન કાપવા સુધીની કાર્યવાહીની તૈયારીઓ કરી લીધી છે. 25થી વધુ બિલ્ડિંગોને નોટિસ પાઠવી અને જો ત્રણ દિવસમાં તેઓ એનઓસી નહીં લે, તો બિલ્ડિંગોના પાણી અને ગટરના કનેક્શન કાપી લેશે તેવી જાણ કરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ ફાયરબ્રિગેડ દ્વારા ગત જુન મહિનામાં કેટલી કોમર્શિયલ અને રેસીડેન્સિયલ બિલ્ડિંગોને ફાયર એનઓસી લેવાની છે તેની દર મહિને વિગતો જાહેર કરવામાં આવતી હતી. જે બિલ્ડિંગોની ફાયર એનઓસી પૂર્ણ થાય છે, તેમને જાણ પણ કરવામાં આવતી હતી. પરંતુ હવે અમદાવાદના ફાયર બ્રિગેડ તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ફાયરબ્રિગેડના અધિકારીઓ હવે NOC મામલે બેદરકાર બની રહ્યા છે. શાહીબાગ વિસ્તારમાં આવેલા ફ્લેટમાં લાગેલી આગની ઘટના અને તે મામલે ગુજરાત હાઇકોર્ટે ગંભીર નોંધ લીધા બાદ શહેરમાં આવેલી બિલ્ડિંગોમાં ફાયર એનઓસી ફાયર બ્રિગેડને યાદ આવી છે અને હવે મ્યુનિ.ના ફાયર વિભાગે 25થી વધુ બિલ્ડિંગોને પાણી અને ગટરના કનેક્શન કાપવા સુધીની કાર્યવાહી અંગેની નોટિસ આપી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, અમદાવાદમાં આવેલી રેસિડેન્સિયલ અને કોમર્શિયલ બિલ્ડિંગોમાં ફાયર NOC લેવાની બાકી હોય તેવી તમામ બિલ્ડિંગોની યાદી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની વેબસાઈટ પર મૂકવામાં આવતી હતી. પરંતુ વિધાનસભાની ચૂંટણીને લીધે કોઈપણ પ્રકારની માહિતી જ મૂકવામાં આવી નહોતી. સામાન્ય રીતે ફાયર એનઓસી મામલે કાર્યવાહી કરીને રહેણાંકના બિલ્ડિગોના ચેરમેનોને નોટિસ આપવામાં આવતી હોય છે, પરંતુ કહેવાય છે કે જ્યારે આગ લાગે ત્યારે જ કૂવો ખોદવો પડે તેમ અધિકારીઓ જ્યારે શહેરમાં મોટી આગની ઘટના બને અને હાઇકોર્ટ ગંભીર નોંધ લે, ત્યારે ફાયર એનઓસી સહિતની કાર્યવાહી કરવાની યાદ આવે છે.