મધ્યપ્રદેશના ભોપાલમાં જૂના મંત્રાલયમાં લાગી આગ, પાંચ કર્મચારીઓને સુરક્ષિત બહાર કઢાયાં
ઈન્દોરઃ ભોપાલમાં શનિવારે જૂની મંત્રાલયની ઇમારતના ત્રીજા માળે આગ લાગી હતી. જોરદાર પવનને કારણે આગ ઝડપથી ફેલાઈ અને ટૂંક સમયમાં ચોથા, પાંચમા અને છઠ્ઠા માળ સુધી પહોંચી ગઈ હતી. મંત્રાલયના ગેટ નંબર પાંચ અને છ વચ્ચે સફાઈ કરી રહેલા કર્મચારીઓએ મંત્રાલયની જૂની ઈમારતના ત્રીજા માળેથી ધુમાડો નીકળતો જોઈને સુરક્ષાકર્મીઓને જાણ કરી હતી. આ પછી ફાયર બ્રિગેડ અને પોલીસના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. શરૂઆતમાં આગને બુઝાવવા માટે ચાર ફાયર બ્રિગેડને સ્થળ પર તૈનાત કરવામાં આવી હતી, પરંતુ જોરદાર પવનને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી અને ચોથા, પાંચમા અને છઠ્ઠા માળને લપેટમાં લીધી હતી.
આગને બુઝાવવાનું કામ ચાર ફાયર એન્જિન દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ ભારે પવન અને આગ ઉપરના માળે હોવાથી ભોપાલ શહેરનો સ્ટાફ આગ પર કાબૂ મેળવી શક્યો ન હતો. આ પછી ભેલ, ઈએમઈ સેન્ટર બૈરાગઢ અને ભોપાલ એરપોર્ટથી ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી. જો કે, ત્યાં સુધીમાં ભોપાલ મહાનગરપાલિકાનું ફાયર ટેન્ડર પણ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. પરંતુ, જોરદાર પવનને કારણે આગ ચોથા, પાંચમા અને છઠ્ઠા માળે લપેટમાં આવી ગઈ હતી.
ફાયર કર્મીઓએ મંત્રાલયની જૂની ઈમારતમાં ફસાયેલા પાંચ કર્મચારીઓને સુરક્ષિત રીતે બચાવી લીધા હતો, પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ પણ સ્પષ્ટપણે કહી શકતા નથી કે આ કર્મચારીઓ પહેલેથી જ મંત્રાલયમાં હાજર હતા કે પછી આગ ઓલવવા અને દસ્તાવેજો સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે મંત્રાલયની અંદર પહોંચ્યા હતા.
મહાશિવરાત્રી અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના કારણે શુક્રવારે મંત્રાલયમાં રજા હોવા છતાં શનિવારે મંત્રાલયમાં આગ લાગી હતી. ગુરુવારે સાંજે લગભગ 6 વાગ્યે મંત્રાલય બંધ થયા પછી ત્યાં કોઈ નહોતું. શુક્રવારે આખો દિવસ બંધ રહ્યો હતો, શનિવારે આગ લાગી હતી, આથી ઓફિસ બંધ થયાના 38 કલાક બાદ આગ શેના કારણે લાગી તે અંગે સવાલો ઉઠી રહ્યા છે.
આજે મંત્રાલયમાં રજા છે, પરંતુ આગના કારણે મુખ્યમંત્રી ડો.મોહન યાદવે મુખ્ય સચિવ વીરા રાણા સાથે ફોન પર વાત કરી હતી અને તપાસની સૂચના આપી હતી. તેમણે એમ પણ કહ્યું કે, તેમને આગ પાછળના કારણો અને આવી સ્થિતિ ફરીથી ન બને તે માટે પગલાં લેવા માટે પણ કહેવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ડૉ.યાદવના ફોન બાદ અનેક વિભાગોના મુખ્ય સચિવો, સચિવો અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.