Site icon Revoi.in

અમદાવાદના કઠવાડા GIDCમાં લાગી આગ, 18 ફાયરબંબા પહોંચ્યા, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ

Social Share

અમદાવાદઃ શહેરમાં આગ લાગવાના બનાવો વધતા જાય છે. જેમાં શહેરના કઠવાડા જીઆઈડીસીમાં આગ લાગતા ફાયરના 18 બંબાઓ ફાઈટરો સાથે પહોંચીને આગ બુઝાવવાના પ્રયાસો શરૂ કર્યા છે. 40 લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા છે. અને સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા કઠવાડા GIDCમાં બાયોટેક ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં મેગ્નેશિયમના જથ્થામાં આગ લાગી હતી. ફાયરબ્રિગેડની ટીમને આગ લાગ્યાની જાણ કરવામાં આવતા 18થી વધુની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. ટેસ્ટિંગ લેબ અને આરએનડી વિભાગના સ્ટોરમાં મેગ્નેશિયમના જથ્થાના કારણે આગ વધુ પ્રસરી હોવાનું ફાયરના અધિકારીઓ કહી રહ્યા છે.

એફએસએલ સૂત્રોએ જણાવ્યું હતું કે,  શહેરના પૂર્વ વિસ્તારમાં કઠવાડા GIDC ખાતે રોડ નંબર 5 પર આવેલી બાયોટેક ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં વહેલી પરોઢે 4.30 વાગ્યે આગ લાગી હોવાનો મેસેજ મળતા ફાયબ્રિગેડની 18થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ચીફ ફાયર ઓફિસર, એડિશનલ ચીફ ફાયર ઓફિસર અને ડિવિઝનલ ફાયર ઓફિસર સહિત 45થી વધુ ફાયર બ્રિગેડના જવાનોએ બે કલાકમાં આગને કાબૂમાં લીધી હતી.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, બાયોટેક ઇન્ડસ્ટ્રીઝમાં લાગેલી આગ ખૂબ વધારે હતી જે બાજુમાં આવેલી સુરભી સ્ટીલ વાસણ બનાવતી કંપનીમાં આગ પ્રસરતા પેકેજિંગ મટિરીયલમાં આગ લાગી હતી. જેને કાબૂમાં પણ લઈ લેવામાં આવી હતી. પાછળના ભાગે આવેલા ગોપાલ ઇન્ડસ્ટ્રીયલ પાર્કને પણ સુરક્ષાના ધોરણે ખાલી કરાવી આશરે 40 વ્યક્તિઓને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર બ્રિગેડની સવાર સુધી આગને કુલિંગ કરવાની કામગીરી કરવામાં આવી હતી.

શહેરમાં આગ લાગવાના બનાવો વધતા જાય છે. ત્રણ દિવસ પહેલા દાણીલીમડાના પટેલ મેદાનમાં આવેલા પતરાના શેડમાં બનાવેલા ગોડાઉનમાં આગ લાગી હતી. આ આગ આસપાસમાં આવેલા કુલ 7 જેટલા ગોડાઉન સુધી પહોંચી ગઈ હતી.