વલસાડઃ જિલ્લાના ઉમરગામ નજીક સરીગામ GIDCમાં આવેલા પ્લાસ્ટિક ઝોનમાં એક પેકેજિંગ કંપનીમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આગ લાગ્યાની જાણ થતાં જ કંપનીમાં કામ કરતા કામદારોને મેનેજરે સૂચના આપીને તમામ કામદારોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. દરમિયાન આજુબાજુની કંપનીમાં કામ કરતા શ્રમિકો પણ મદદે દોડી આવ્યા હતા. ઘટના અંગે સરીગામ GIDC અને નોટિફાઇડ ફાયર વિભાગની ટીમને ઘટનાની જાણ કરવામાં આવી હતી. ઉમરગામ અને આજુબાજુના નજીકના ફાયર ફાઈટર્સની ટીમની મદદ લેવામાં આવી હતી. આગ પર કાબૂ મેળવ્યા બાદ આગનું ચોક્કસ કારણ જાણી શકાશે. પેકેજિંગ કંપની હોવાથી ફાયર વિભાગની ટીમને આગ પર કાબૂ મેળવવામાં ભારે જહેમત ઉઠાવી પડી હતી. કંપનીમાં તમામ માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. જ્યારે આગે વધુ વિકરાણ રૂપ ધારણ કરતાં મેજર બ્રિગેડ કોલ જાહેર કરાયો હતો.
વલસાડ જિલ્લાના ઉમરગામ GIDCમાં આવેલી સરીગામ GIDCના પ્લાસ્ટિક ઝોનમાં આવેલી એક પેકેજિંગ કંપનીમાં સવારે અચાનક કંપનીના શેડમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા, જેની જાણ કંપનીના કામદારોએ કંપનીના મેનેજરને કરી હતી. કંપનીના મેનેજરે તમામ કામદારોને સુરક્ષિત રીતે બહારની સાઈડ જતા રહેવા સૂચના આપવામાં આવી હતી. જોતજોતાંમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ ઘટનાની જાણ આજુબાજુમાં આવેલી કંપનીના કામદારો અને સ્થાનિક લોકો તાત્કાલિક કંપનીમાં રાહત કામગીરી માટે અને આગ પર કાબૂ મેળવવા દોડી આવ્યા હતા. આ ઘટનાની જાણ સરીગામ GIDC અને નોટિફાઇડ ફાયર વિભાગની ટીમને કરી હતી. સગીગામ GIDC અને નોટિફાઇડની ટીમે આજુબાજુના નજીકના વિસ્તારોની ફાયરની ટીમને ઘટનાની જાણ કરી આગ ઉપર કાબૂ મેળવવા મદદ માગવામાં આવી હતી. ઘટનાસ્થળે 8થી 10 ફાયર વિભાગની ટીમો પેકેજિંગ કંપનીમાં લાગેલી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે, પેકેજિંગ કંપની હોવાથી પુંઠા, કાગળ અને પ્લાસ્ટિકનો જથ્થો વધારે હોવાથી ફાયર વિભાગની ટીમને આગ પર કાબૂ મેળવવામાં ભારે તકલીફો પડી હતી. આગ પર કાબૂ મેળવ્યા બાદ આગ લાગવાનું કારણ જાણી શકાશે. પેકેજિંગ કંપનીમાં હાલ તો કોઈની જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે. આગની ઘટનામાં તમામ માલ-સામાન બળીને ખાખ થઈ ગયો હતો. કંપની સંચાલકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હતું.