અમદાવાદઃ શહેરના સરખેજ વિસ્તારમાં શનિવારે બપોરના ટાણે ધોળકા રૂટની એસટી બસમાં આકસ્મિક આગ લાગતા બસ બળીને ભસ્મીભૂત બની ગઈ હતી. એસટી બસના એન્જિનમાં ધૂમાડો જોતા બસના ચાલકે સમયસૂચકતા દાખવીને બસને રોડ પર ઊભી રાખીને મુસાફરોને તાત્કાલિક ઉતરી જવા માટે બુમો પાડતા તમામ મુસાફરો તાત્કાલિક બહાર નીકળી ગયા હતા. બસમાં આગ લાગ્યાની જાણ ફાયરબ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. બસમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. આ ઘટનાને પગલે આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. તેમજ અન્ય વાહનચાલકો પણ ભયમાં મૂકાયા હતા.
ફાયર બ્રિગેડના સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ અમદાવાદથી ધોળકા જતી એસટી બસમાં બપોરના સમયે અચાનક આગ લાગી હતી. સરખેજ સર્કલ પાસે ભરચક વિસ્તારમાંથી આ બસ પસાર થઈ રહી હતી તે દરમિયાન જ એન્જિનમાંથી ધૂમાડો નીકળતા જોઈ ડ્રાઇવરે સમય સૂચકતા વાપરીને તમામ મુસાફરોને સુરક્ષિત નીચે ઉતારી લીધા હતા. અને બસમાં આગ લાગ્યાની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાઈટરો સાથે ફાયરના જવાનો દોડી ગયા હતા. અને પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવા પ્રયાસો કર્યા હતા. પરંતુ આગમાં બસ બળીને ખાક થઈ ગઈ હતી.આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ઉનાળાની ગરમીમાં વાહનોમાં આગ લાગવાના કિસ્સાઓ વધારે બનતા હોય છે ત્યારે બસમાં લાગેલી આગ શોર્ટ સર્કિટ અથવા એન્જિનનો ભાગ ગરમ થયો હોવાથી લાગી હોવાનું પ્રાથમિક કારણ જાણવા મળે છે.