Site icon Revoi.in

અમદાવાદના વેજલપુરમાં ફ્લેટના 5માં માળે લાગી આગ, 4 લોકોને રેસ્ક્યુ કરાયા

Social Share

અમદાવાદઃ શહેરના વેજલપુર વિસ્તારમાં શ્રીનંદનગર પાસે આવેલા સ્વરિત એપાર્ટમેન્ટના 5માં માળે આવેલા એક ફ્લેટમાં આજે વહેલી સવારે આગ લાગતા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડે ફ્લેટમાં ફસાયેલા 4 લોકોનું રેસ્ક્યુ કરીને બચાવી લીધા હતા. આગ જોતજોતામાં ડ્રોઈંગ રૂમથી બેડ રૂમ સુધી પહોંચી ગઈ હતી. આગમાં ઘર-વખરી બળીને ખાક થઈ હતી. લાઈટિંગ સિરીઝમાં કોઈ કારણોસર શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.

શહેરના વેજલપુર વિસ્તારમાં શ્રીનંદનગર પાસે આવેલા સ્વરિત એપાર્ટમેન્ટમાં પાંચમાં માળે આવેલા ફ્લેટમાં આજે ગુરુવારે વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. ઘરમાં રહેલા પરિવારના ચાર સભ્યો આગ લાગવાના કારણે રૂમમાં ફસાય ગયા હતા. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા પ્રહલાદ નગર અને થલતેજ ફાયર સ્ટેશનની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ પાંચેય લોકોને સહી સલામત ઘરમાંથી બહાર કાઢ્યા હતા. આગમાં ઘરનું ફર્નિચર મળીને ખાક થઈ ગયું હતું.

અમદાવાદ ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે, આજે  વહેલી સવારે ફ્લેટના ડ્રોઈંગ રૂમમાં મંદિર પાસે દિવાળીના કારણે જે લાઇટિંગ સિરીઝ લગાવી હતી તેમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. ઘરમાં બેડરૂમમાં ચાર લોકો સૂતા હતા જેઓ ખૂબ જ ગભરાય ગયા હતા. ધુમાડો આખા ઘરમાં ફેલાય ગયો હતો. ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી અને એક તરફ આગને કાબૂમાં લીધી તો બીજી તરફ ઘરમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. ફાયરબ્રિગેડની ટીમ સમયસર પહોંચી જતા તમામ લોકોને રેસ્ક્યૂ કરી લેવાયા હતા. ઘરનું ફર્નિચર અને રસોડાના ભાગને નુકસાન થયું હતુ.

સ્થાનિક રહિશોના કહેવા મુજબ આગ લાગવાની જાણ થતાં જ સ્વરિત એપાર્ટમેન્ટના રહિસો પણ એકઠા થઈ ગયા હતા.  ફાયર બ્રિગેડના કર્મચારી અને અધિકારીએ 15થી 20 મિનિટમાં આગને કાબૂમાં લઈ લીધી હતી. ફ્લેટમાં ફસાયેલા ચારેય લોકોને સહી સલામત ઘરની બહાર કાઢ્યા હતા. આગ લાગવાના કારણે ઘરના હોલ અને બેડરૂમ સહિતનો કેટલોક ભાગ બળીને ખાક થઈ ગયો હતો. ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.